AAP ના વધુ એક મંત્રીના ઠેકાણાઓ પર ED ના દરોડા, કેજરીવાલને ઈડીનું તેડું પણ આજે નહીં થાય હાજર!
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી પૂછપરછ પહેલા જ તેમના મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પડ્યા છે. ગુરુવારે સવારે રાજકુમાર આનંદના સરકારી ઘર સહિત 9 ઠેકાણા પર ઈડીની ટીમ પહોંચી અને સર્ચ અભિયાન શરૂ કર્યું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી પૂછપરછ પહેલા જ તેમના મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પડ્યા છે. ગુરુવારે સવારે રાજકુમાર આનંદના સરકારી ઘર સહિત 9 ઠેકાણા પર ઈડીની ટીમ પહોંચી અને સર્ચ અભિયાન શરૂ કર્યું. સૂત્રોના જણાવ્યાં મુજબ ચીનથી હવાલા દ્વારા આવેલા પૈસા અંગે આ કાર્યવાહી કરાઈ છે.
રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી છે. તેમની પાસે શ્રમ રોજગાર, એસસી અને એસટી, ગુરુદ્વારા ચૂંટણી, સહકારી સમિતિઓના કામકાજ પણ છે. રાજકુમાર આનંદના સિવિલ લાઈન્સના ઘર સહિત અનેક ઠેકાણે ઈડીની ટીમ પહોંચી. ઘર અને અન્ય ઠેકાણા બહાર અર્ધસૈનિક દળો પણ તૈનાત રહ્યા.
આજે કેજરીવાલને તેડું પણ નહીં થાય હાજર
દિલ્હી દારૂ કૌભાંડનો રેલો હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી ગયો છે. આ મામલે હવે ઈડી પહેલીવાર સીએમ કેજરીવાલની પૂછપરછ કરશે. સવારે 11 વાગે સીએમ કેજરીવાલે ઈડી ઓફિસ પહોંચવાનું છે. જો કે છેલ્લે મળતી માહિતી મુજબ સીએમ કેજરીવાલ આજે ઈડી સામે હાજર થશે નહીં. અત્રે જણાવવાનું કે સૂત્રોના જણાવ્યાં મુજબ અરવિંદ કેજરીવાલનું નામ કેટલાક આરોપીઓ અને સાક્ષીઓના નિવેદનમાં આવ્યું છે. જેમનો ઉલ્લેખ એજન્સીઓએ પોતાની રિમાન્ડ નોટ અને ચાર્જશીટમાં કર્યો છે. આરોપ છે કે દારૂ કૌભાંડ કેસમાં આરોપી વિજય નાયરની સીએમ ઓફિસમાં અવરજવર હતી.
નોટિસને ગણાવી ગેરકાયદેસર
આ બધા વચ્ચે સીએમ અરવિંદ કેજરીવાલે ઈડી સામે હાજર થવાની ના પાડી દીધી છે. તેમણે નોટિસને ગેરકાયદેસર ગણાવી છે. આ ઉપરાંત કેજરીવાલે નોટિસને રાજનીતિથી પ્રેરિત પણ ગણાવી. કેજરીવાલે એમ પણ કહ્યું કે ઈડી તરત જ આ નોટિસ પાછી ખેંચી લે.