જાન્યુઆરીમાં સુનવણી ટળી જવાથી સૌથી મોટો હાશકારો સરકારને થશે
આખા દેશની નજર આખરે જેના પર ટકી હતી, તે રામમંદિર-બાબરી મસ્જિદ કેસની સુનવણી હાલ ટળી ગઈ છે. હવે જાન્યુઆરી, 2019 સુધી સુનવણી ટાળી દેવામાં આવી છે. સુપ્રિમ કોર્ટ હવે જાન્યુઆરીમાં મામલાની સુનવણી કરશે. એ જ દિવસે એ પણ નક્કી થશે કે, સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ જ આ મામલાની સુનવણી કરશે કે નહિ, કે કોઈ નવી બેન્ચનું ગઠન કરાશે તે પણ તે જ વખતે નક્કી કરાશે. જોકે, સુનવણી ટળી જવાના આ સમગ્ર મામલામાં સૌથી મોટો હાશકારો કેન્દ્રમાં બેસેલી ભાજપ સરકારને થયો છે. સામે જ્યારે પાંચ રાજ્યોની ચૂંટણી છે, ત્યારે કેન્દ્ર સરકાર માટે આ ચુકાદો બહુ જ મહત્વનો બની રહ્યો હોત. જો આજે રામ મંદિરના પક્ષમાં ચુકાદો આવ્યો હોત તો કેન્દ્ર સરકાર માટે પાંચ રાજ્યોની ચુંટણીમાં કદાચ ફાયદો પણ જોવા મળત. આ ચૂંટણીમાં ભાજપને તેની મિશ્ર અસર દેખાત તેવું રાજકીય પંડિતોનું કહેવું છે.
અયોધ્યા કેસની સૂનાવણી પાછી ઠેલાતાં સરકારને હાશકારો થયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ચૂંટણી આવી રહી છે. ભાજપ માટે આ રાજ્યોમાં અત્યારે મુશ્કેલી હોવાનું મનાય છે. એ સંજોગોમાં ચૂકાદો મંદિરની વિરુદ્ધમાં આવે તો ભાજપની મુશ્કેલી વધી શકે તેમ હતી. વળી, ચૂકાદો તરફેણમાં આવે તો પણ સરકાર હાલમાં લોકસભા બરખાસ્ત કરવાની સ્થિતિમાં નથી. એટલે તરફેણમાં આવેલા ચૂકાદાનું હવામાન આગામી મે મહિના સુધી ટકાવવું પડે, જે ભારે મુશ્કેલ હતું. હવે જાન્યુઆરીમાં ચૂકાદો આવે તો સરકાર/ભાજપ તરતઆવનારી લોકસભાની ચૂંટણીમાં તેનો ફાયદો મેળવી શકે તેવું પોલિટિકલ એનાલિસીસ માને છે.
છત્તીસગઢમાં બે બતક્કામાં 12 અને 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28મી નવેમ્બરે ચૂંટણી થશે જ્યારે રાજસ્થાન અને તેલંગાણામાં 7મી ડિસેમ્બરે ચૂંટણી થશે. આ પાંચેય રાજ્યોની ચૂંટણી ભાજપ માટે કાંટે કી ટક્કરની જેમ સાબિત થશે.