ઈદ પર કાશ્મીર અશાંત, પાકિસ્તાનના ફાયરિંગમાં 1 જવાન શહીદ, અનંદનાગમાં સેના પર પથ્થરમારો
જમ્મુ અને કાશ્મીરમાં આજે ઈદ ઉલ ફિતરના પવિત્ર દિવસે પણ અશાંતિ જોવા મળી. ઈદની પવિત્રતાનું પણ પાકિસ્તાને સન્માન ન જાળવતા સિઝફાયરનો ભંગ કર્યો.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં આજે ઈદ ઉલ ફિતરના પવિત્ર દિવસે પણ અશાંતિ જોવા મળી. ઈદની પવિત્રતાનું પણ પાકિસ્તાને સન્માન ન જાળવતા સિઝફાયરનો ભંગ કર્યો. જ્યારે બીજી બાજુ અનંતનાગમાં ઈદની નમાજ બાદ પ્રદર્શનકારીઓએ પોલીસ અને સીઆરપીએફના જવાનો પર પથ્થરમારો કર્યો. પથ્થરબાજો આઈએસઆઈના ઝંડા લઈને ફરતા જોવા મળ્યાં. અનંતનાગમાં સવારે 6.45 વાગ્યે નમાઝ ખતમ થયા બાદ તરત પથ્થરબાજો રસ્તાઓ પર ઉતરી આવ્યાં અને નારેબાજી કરવા લાગ્યાં.
બીજી બાજુ અરનિયા સેક્ટરમાં પણ પાકિસ્તાન તરફથી આજે ઈદના દિવસે સિઝફાયર ભંગ કરાયો અને ભારતીય જવાનોને ટારગેટ કરવાની કોશિશ કરાઈ. સવારે 4 વાગ્યાથી સતત ફાયરિંગ ચાલુ જ છે. એક જવાન શહીદ થયો હોવાના અહેવાલ છે. આ તણાવના કારણે ઈદના અવસરે અટારી વાઘા બોર્ડર ઉપર બીએસએફ અને પાકિસ્તાની રેન્જરો વચ્ચે મીઠાઈના આદાન પ્રદાનની પરંપરા પણ નિભાવવામાં ન આવી.
આતંકીઓએ સેનાના જવાન ઔરંગઝેબની ક્રુર રીતે કરી હત્યા
આતંકીઓએ ગુરુવારે સવારે સેનાના જવાનનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખતા પ્રદેશમાં તણાવ છે. તેનો ગોળીઓથી વિંધાયેલો મૃતદેહ પુલવામાંથી મળી આવ્યો હતો. ઈદ મનાવવા માટે આ જવાન ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઔરંગઝેબ પૂંછનો હતો.
પત્રકાર શુજાત બુખારીની પણ થઈ હત્યા
જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે પત્રકાર શુજાત બુખારીની પણ હત્યાં કરાઈ જેના ઘેરા પડઘા પડ્યા છે. 3 બાઈક સવારો બુખારીને ગોળીઓથી વિંધીને ફરાર થઈ ગયા હતાં. આ હત્યા કાંડમાં આમ તો 3 આતંકીઓ હોવાનું કહેવાય છે પરંતુ હવે એક ચોથા સંદિગ્ધનું પણ નામ સામે આવ્યું છે. જે જગ્યાએ શુજાત બુખારીની હત્યા થઈ ત્યાંનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ચોથો સંદિગ્ધ જોવા મળી રહ્યો છે.
આ ચોથો સંદિગ્ધ શુજાત બુખારીના મૃતદેહ પાસે ઊભો છે અને ત્યાંથી પિસ્તોલ લઈને ભાગે છે. શ્રીનગર પોલીસે આ આતંકીઓની તલાશ માટે તેમની તસવીરો પણ જારી કરી અને સ્થાનિક લોકો પાસે મદદ માંગી. ત્યારબાદ તેની ઓળખ ઝુબેર કાદરી તરીકે થઈ છે. આ ચોથા સંદિગ્ધની ધરપકડ કરી લેવાઈ છે.