ઝી બ્યૂરો, અમદાવાદઃ આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પક્ષ-વિપક્ષ સહિતના તમામ ચૂંટણીમાં પોતાની પાર્ટીનું આધિપત્ય જમાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ ચૂંટણીની ખાસ વાત તો એ છે કે જ્યાં ક્યારેય ભાજપનું કોઈ વજૂદ ન હતું, ત્યાં આજે ભાજપ જ મુખ્ય વિપક્ષી દળ બનીને સામે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળમાં મોદી v/s દીદી
ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને ભાજપ તરફથી પહેલીવારનો પડકાર મળી રહ્યો છે. બંગાળમાં ભાજપના મોટા નેતાઓ ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. વર્ષ 2011માં સત્તા પર આવેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પહેલી વખત આવી કડક લડત મળી રહી છે. પશ્ચિમ બંગાળ પર 34 વર્ષથી શાસન કરનાર ડાબેરીઓને તો કોઈ પક્ષ હરીફ માનવા જ તૈયાર નથી. અહીં ચૂંટણી સંગ્રામ તો માત્ર ટીએમસી અને ભાજપ વચ્ચે જ દેખાય છે. બંગાળની ગત ચૂંટણીમાં ભાજપને 11 ટકા અને ટીએમસીને 45 ટકા મત મળ્યા હતા. આજે ભાજપ જોરો-શોરોથી બંગાળને જીતવા માટેના પ્રયાસ કરી રહી છે, જે મમતા બેનર્જી માટે સૌથી મોટો પડકાર છે.


તમિલનાડુ
તમિલનાડુ એક એવું રાજ્ય છે જ્યાં હિન્દીભાષી નેતાઓને ઓછી પ્રાથમિકતા આપવામાં આવે છે. પરંતુ ટૂંકા ગાળામાં પ્રધાનમંત્રી મોદીએ તમિલનાડુને ઘણી ભેટો આપી છે. હવે ભાજપના મોટા નેતાઓ પણ ગ્રાઉન્ડ લેવલ પર પોતાનું કામ શરૂ કરી રહ્યા છે. 40 વર્ષમાં પ્રથમ વખત કરુણાનિધિ અને જયલલિતા વગર તમિલનાડુમાં ચૂંટણી હશે. જયલલિતા છ વખત તમિલનાડુ અને કરુણાનિધિ પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ ભાજપ ધીમે ધીમે હિન્દુત્વને આગળ વધારીને તમિલનાડુમાં પોતાનું આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ તમિલનાડુમાં મુખ્ય વિપક્ષ ડીએમકેને હિન્દુ વિરોધી ગણાવ્યા હતા.


આસામ
ભાજપના નેતાઓ અને ગૃહમંત્રી સતત આસામની મુલાકાત લઈ રહ્યા છે. સાથે જ મોટી જાહેર સભાઓને સંબોધન કરે છે. આસામનો મુખ્ય મુદ્દો એનઆરસી છે. આસામમાં એનઆરસી અમલમાં આવ્યા પછીની આ પ્રથમ વિધાનસભાની ચૂંટણી છે. ભાજપે દરેક લોકસભામાં એનઆરસીનો અમલ કરવાની વાત કરી છે. મહત્વનું છે કે આસામમાં ભાજપે તિવા ઓટોનોમસ કાઉન્સિલની ચૂંટણીમાં 36માંથી 33 બેઠકો જીતીને અદભૂત વિજય મેળવ્યો હતો. આ પછીથી ભાજપના હોંસલા વધુ બુલંદ થયા છે. હાલ આસામમાં ભાજપની જ સરકાર છે.


કેરળ
એક સમયે કેરળમાં ભાજપનું ક્યાંય પણ નામોનિશાન ન હતું. આજે ભાજપ પક્ષ ડાબેરીઓ માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે. ડાબેરીઓનો છેલ્લો ગઢ કેરળ છે. કેરળમાં ડાબેરીઓ અને કોંગ્રેસનું ગઠબંધન છે. કેરળને હિંદુ સમાજ વામપંથિયોની વિચારધારાનો સમર્થક માનવામાં આવે છે. એવામાં ભાજપના આગમન પછી આખી વોટ બેંક તેની તરફ જઈ શકે છે. કેરળમાં લવ જેહાદ મુદ્દે ભાજપ મજબૂતી સાથે અવાજ ઉઠાવી રહ્યો છે. બીજીબાજુ ભાજપ ક્રિશ્ચિયન મતદારોને લોભાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેરળમાં લગભગ 55% હિંદુ, 27% ખ્રિસ્તી અને 18% મુસ્લિમ મતદાતાઓ છે. તાજેતરમાં, મેટ્રો મેન તરીકે જાણીતા શ્રીધરન ભાજપમાં જોડાયા છે. શ્રીધરનને કેરળના રાજકારણમાં મોટુ માથુ ગણવામાં આવે છે. કેરળમાં ભાજપનો પ્રચાર કરવાની જવાબદારી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપવામાં આવી છે. યોગી આદિત્યનાથને હિંદુત્વનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે.


પુડ્ડુચેરી
હાલમાં જ પુડુચેરીમાં કોંગ્રેસની નારાયણસામી સરકારે રાજીનામું આપવું પડ્યું હતું. હવે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોના બળ પર ભાજપ કમળનું ફૂલ ખિલાવવાની તૈયારીમાં છે. પુડુચેરીમાં કોંગ્રેસની ગઠબંધનની સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરે તે પહેલા જ પડી ભાંગી. હવે પુડુચેરીમાં ભાજપનું શાસન લાવવા પ્રધાનમંત્રી મોદી રેલીઓ કરી રહ્યા છે. સાથે જ નવી પરિયોજનાઓની શરૂઆત પણ કરાવી રહ્યા છે. હાલ પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.