લોકસભા ચૂંટણી 2019ની તારીખોની આજે થશે જાહેરાત, સાંજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
આજે સાંજે 5 વાગે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી મુજબ સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પંચે દિલ્હીના વિજ્ઞાન ભવનના હોલ નંબર એકમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે.
નવી દિલ્હી: આજે સાંજે 5 વાગે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી મુજબ સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પંચે દિલ્હીના વિજ્ઞાન ભવનના હોલ નંબર એકમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. એવી અટકળો છે કે લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે.
મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ દ્વારા 9 માર્ચના રોજ એક મહત્વની બેઠકનું આયોજન થયું. જેમાં તમામ સંબંધિત અધિકારીઓની હાજરીને અનિવાર્ય કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી એપ્રિલમાં અને મે મહિનામાં કરવામાં આવશે. મેં મહિનાના ત્રીજા અઠવાડિયામાં મત ગણતરી હાથ ધરાશે. સાત કે આઠ તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવી શકે છે.
એવી પૂરેપૂરી શક્યતા છે કે ચૂંટણી પંચ જૂની પરંપરાની જેમ આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીને પણ લોકસભા ચૂંટણી સાથે કરાવી શકે છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા પણ ભંગ થઈ ચૂકી છે. આથી આયોગ મે મહિનામાં સમાપ્ત થઈ રહેલી છ મહિનાની સમય મર્યાદાની અંદર અહીં પણ નવેસરથી ચૂંટણી કરાવવા માટે બાધ્ય છે.
એક મત એવો છે કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે કરાવવામાં આવે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને જોતા રાજ્યની જટિલ સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને જ કોઈ નિર્ણય લેવામાં આવશે.