Election Result 2022: ચરણજીત ચન્ની, પુષ્કર ધામી સહિત બે વર્તમાન અને પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણી હાર્યા
આજે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યાં છે. ભાજપે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં જીત મેળવી છે. તો પંજાબમાં આમ આદમી પાર્ટીને સફળતા મળી છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોના ચૂંટણીનું પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ચાર રાજ્યોમાં ભાજપ તો પંજાબમાં આમ આદમી પાર્ટીને જીત મળી છે. પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બે સીટ પર ચૂંટણી હારી ગયા છે. કુલ મળીને આ ચૂંટણીમાં બે વર્તમાન અને પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓએ પોતાની સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની અને ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામી ચૂંટણી હાર્યા છે. ચરણજીત સિંહ ચન્નૂ ભદૌર સીટથી 37 હજાર મતે હાર્યા છે. તેમને મોબાઇલ રિપેરિંગની દુકાનમાં કામ કરનાર લાભ સિંહે હરાવ્યા છે.
આ સિવાય પોતાના ગઢ કહેવાતા ચમકૌર સાહિબથી ચરણજીત સિંહ ચન્ની પોતાના નામવાળા આપના ઉમેદવાર સામે હારી ગયા છે. આપ ઉમેદવાર ચરણજીત સિંહ ડોક્ટર છે. તો ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ સિંહ રાવત અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ તથા અમરિંદર સિંહે પણ હારનો સામનો કરવો પડ્યો છે. પુષ્કર ધામી ભલે ચૂંટણી હારી ગયા હોય પરંતુ ભાજપે ઉત્તરાખંડની સત્તામાં વાપસી કરી છે. પંજાબમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રી બાદલ, અમરિંદર સિંહ અને રાજિંદર કૌલ ભટ્ટલ પોત-પોતાની સીટથી ચૂંટણી હારી ગયા છે.
આ પણ વાંચોઃ મહા જીત પર બોલ્યા યોગી- 'રાષ્ટ્રવાદ, વિકાસ અને સુશાસન'ને મળ્યા જનતાના આશીર્વાદ
પંજાબના મુખ્યમંત્રી ચન્ની ભદૌર અને ચમકૌર સાહિબ, બંને જગ્યાએથી હાર્યા છે. શિરોમણિ અકાલી દળના પ્રમુખ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પણ હારી ગયા છે. પંજાબ સરકારમાં અનેક મંત્રીઓ ચૂંટણી હાર્યા છે. ગોવામાં પૂર્વ મુખ્યમંત્રી અને ટીએમસીના ઉમેદવાર ચર્ચિલ અલેમાઓને બેનૌલિમ સીટથી આપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube