નવી દિલ્લીઃ વર્ષ 2022માં યૂપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિત કુલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ. કુલ 7 તબક્કામાં આ ચૂંટણીઓનું વોટિંગ થયું. જનતા જનાર્દને કોને સત્તાનું સુકાન સોંપવાનું નક્કી કર્યું છે તેનો નિર્ણય આજે થશે. આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં BJPના શાનદાર પ્રદર્શન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લેશે. ચાર રાજ્યોમાં ભાજપની જંગી જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે કાર્યકરોને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં બહુમતી મેળવી છે, જ્યારે મણિપુર અને ગોવામાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મતગણતરી શરૂ થતાની સાથે જ પાંચેય રાજ્યોમાં શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો. યૂપીમાં ફરી એકવાર જબરદસ્ત બહુમત હાંસલ કરીને ભાજપે ભગવો લહેરાવ્યો. આ સાથે જ યૂપીમાં યોગી આદિત્યનાથે સતત બીજીવાર દેશના સૌથી મોટા રાજ્યમાં જનમત હાંસલ કરીને રાજનીતિનો નવો કિર્તીમાં સ્થાપિત કરીને એક નવો ઈતિહાસ રચી દીધો. ઉત્તરાખંડમાં પણ ભાજપે સ્પષ્ટ બહુમત હાંસલ કરીને ભગવો લહેરાવી દીધો. જ્યારે મણિપુર અને ગોવામાં પણ કમળ ખીલેલું જોવા મળ્યું. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પૈકી પંજાબમાં આમ આદમી પાર્ટીનું ઝાડૂ ચાલી ગયું. તેથી પંજાબમાં ભગવત માન આપના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તે નક્કી છે. પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં દરેક રાજ્યમાંથી કોંગ્રેસના સુપડાસાફ થઈ ગયા છે. અને સત્તાનો સ્વાદ ચાખવાનું કોંગ્રેસનું સપનું રોળાઈ ગયું છે.


ભાજપ હેડક્વાર્ટર ખાતે વિજયોત્સવ યોજાશે-
વિધાનસભાની ચૂંટણીમાં વિજયની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે. સાથે ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. એટલું જ નહીં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ પૈકી વિવિધ રાજ્યોમાં ભાજપની જીતનો જશ્ન પણ મનાવવામાં આવશે.