લખનૌ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જે પાર્ટીના સૌથી ખરાબ હાલ થયા છે તે બહુજન સમાજ પાર્ટી એટલે કે બસપા છે. માયાવતીની બસપા માત્ર એક જ બેઠક પર જીત મેળવી શકી છે. પાર્ટી અપના દળ, નિષાદ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ સુદ્ધાથી પાછળ રહી ગઈ છે. 2017 ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ બસપાને લગભગ 10 ટકા ઓછા મત મળ્યા છે. પાછળના રેકોર્ડ પર નજર ફેરવીએ તો પાર્ટીને 2017માં 22 ટકાથી વધુ મત મળ્યા હતા અને તેણે 19 બેઠકો મેળવી હતી. 2012માં તેણે 80 અને 2007માં 206 બેઠકો પર જીત મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'હાથી'નો સાથ છોડી 'કમળ' પકડ્યું
હવે સવાલ એ ઉઠે છે કે માયાવતીને મળનારા મતો ગયા કયા? અનેક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે જે અંતર રહ્યું તેનું એક કારણ બસપાના શિફ્ટ થયેલા મતો પણ બન્યા. એટલે કે મતદારોએ હાથીનો સાથ છોડીને કમળ પકડી લીધુ. તેમના જણાવ્યાં મુજબ સપાના મત 8-10 ટકા વધ્યા છે. પરંતુ બસપાના મતની ટકાવારીમાં જે કમી આવી છે તેનાથી ભાજપને ફાયદો થયો છે. 


મતદાન પહેલા ભ્રમની સ્થિતિ
કેટલાક એક્સપર્ટ્સનું કહેવું છે કે મત શિફ્ટ થવાનું એક કારણ બસપા સમર્થકો અને મતદારો વચ્ચે બનેલી  ભ્રમની સ્થિતિ પણ છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં એક વાયરલ થયેલા વીડિયોએ પણ તેમા મહત્વની ભૂમિકા ભજવી હતી. આ 30 સેકન્ડના વીડિયો દ્વારા દાવો કરાયો હતો કે માયાવતીએ પોતાના સમર્થકોને સંદેશો આપ્યો છે કે સપાને હરાવવા માટે ભાજપના ઉમેદવારોને મત આપી શકાય છે. અત્રે જણાવવાનું કે યુપીમાં પહેલા તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીના રોજ થયું હતું. તેની બરાબર પહેલા આ ક્લિપ વાયરલ થઈ હતી. 


માયાવતીએ પોતે ભ્રમ દૂર ન કર્યો
પહેલા તબક્કામાં જે બેઠકો પર મત પડ્યા હતા તેને એક સમયે બસપા અને માયાવતીનો ગઢ માનવામાં આવતા હતા. જો કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપે 53 બેઠકો મેળવી હતી જ્યારે માયાવતીને માત્ર 2 બેઠકો મળી હતી. આ વીડિયોને મીડિયા સંસ્થાનોએ ફેક્ટ ચેકમાં ખોટો ગણાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ વીડિયો જૂનો છે. પરંતુ સવાલ એ છે કે શું આ સચ્ચાઈ મતદારો અને પાર્ટી સમર્થકો વચ્ચે પહોંચી? નોંધવા જેવી વાત એ છે કે માયાવતીએ પણ આ ભ્રમની સ્થિતિને દૂર કરવાનો પ્રયત્ન કર્યો નહીં. 


અમિત શાહના નિવેદનથી કન્ફ્યૂઝન વધી
ત્યારબાદ ચૂંટણી પ્રચાર દરમિયાન જ ભાજપના નેતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બસપાને લઈને આપેલા નિવેદનથી કન્ફ્યૂઝન વધી ગઈ. ત્રણ તબક્કા પૂરા થયા બાદ એક એક ઈન્ટરવ્યુમાં જ્યારે અમિત શાહને યુપીમાં બસપાની પ્રાસંગિકતા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે બસપાએ પોતાની રેલિવન્સી બનાવેલી છે. હું માનું છું કે પાર્ટીને મત આવશે. પરંતુ સીટમાં કેટલા કન્વર્ટ થશે તે ખબર નથી, પરંતુ મત આવશે. મુસલમાનો પણ મોટી સંખ્યામાં જાડાશે, અનેક સીટો પર જોડાશે. આ ઈન્ટરવ્યુ બાદ વિશ્લેષકો અને રાજકીય વિરોધીઓએ બસપાને ભાજપની બી પાર્ટી ગણાવવાની શરૂ કરી દીધી. 


બસપાનો ભાજપ તરફ ઝૂકાવ
માયાવતીની પાર્ટી ભાજપ અને સપા બંને સાથે ગઠબંધન કરી ચૂકી છે. જો કે છેલ્લા અઢી દાયકાથી બસપાનો ભાજપ પ્રત્યે ઝૂકાવ વધુ જોવા મળ્યો છે. માયાવતી ત્રણવાર ભાજપના સહયોગથી યુપીની મુખ્યમંત્રી પણ બની ચૂક્યા છે. હાલ વિધાનસભા ચૂંટણીમાં માયાવતીએ કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કર્યું નહતું. પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે એકલા મેદાનમાં ઉતરીને પણ બસપા ભાજપ માટે મદદગાર સાબિત થઈ. બહુજન સમાજ પાર્ટીનો વોટ શેર ઘટવાથી ભાજપને સીધો ફાયદો થયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube