હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન
Assembly Election 2024: આખરે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. બંને રાજ્યોમાં 90-90 સીટો પર વિધાનસભા ચૂંટણીમાં મતદાન થશે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે.
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો કાર્યક્રમ
પ્રથમ તબક્કાનું મતદાન- 18 સપ્ટેમ્બર (24 સીટ)
બીજા તબક્કાનું મતદાન- 25 સપ્ટેમ્બર (26 સીટ)
ત્રીજા તબક્કાનું મતદાન- 1 ઓક્ટોબર (40 સીટ)
ચૂંટણી પરિણામ- 4 ઓક્ટોબર
હરિયાણા વિધાનસભા કાર્યક્રમ
હરિયાણામાં કુલ એક તબક્કામાં 90 સીટો પર મતદાન થશે. 1 ઓક્ટોબરે હરિયાણામાં મતદાન યોજાશે. જ્યારે 4 ઓક્ટોબરે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.
હરિયાણામાં 2 કરોડથી વધુ મતદાતા
ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું કહેવું છે કે હરિયાણામાં બે કરોડથી વધુ મતદાતા છે. 90માંથી 73 સીટો સામાન્ય છે. હરિયાણામાં 27 ઓગસ્ટે મતદાતાની યાદી જાહેર થશે. હરિયાણામાં 20 હજાર 269 પોલિંગ સ્ટેશન છે.
હરિયાણામાં 3 નવેમ્બરે ખતમ થશે કાર્યકાળ
90 સીટોવાળી હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. પાછલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બહુમતથી દૂર રહી હતી. ત્યારબાદ ભાજપે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધનની સરકાર બનાવી હતી. આ વર્ષે માર્ચમાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ગયું હતું. હાલમાં હરિયાણામાં એનડીએ પાસે 43 અને ઈન્ડિયા બ્લોક પાસે 42 સીટો છે.
જમ્મુ-કાશ્મીરમાં 90 સીટો પર યોજાશે ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં હવે વિધાનસભા સીટોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. જમ્મુમાં હવે 43 અને કાશ્મીરમાં 47 સીટો હશે. પીઓકે માટે 24 સીટો રિઝર્વ છે. ત્યાં ચૂંટણી કરાવી શકાય નહીં. જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી. આ રીતે કુલ 114 સીટો છે, જેમાંથી 90 સીટો પર ચૂંટણી યોજાશે.
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાશે ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. છેલ્લે ત્યાં 2014માં ચૂંટણી યોજાઈ હતી. અહીંની 87 સીટોમાંથી પીડીપીએ 28, ભાજપે 25, નેશનલ કોન્ફરન્સે 15 અને કોંગ્રેસે 12 સીટ જીતી હતી. ભાજપ અને પીડીપીએ મળીને સરકાર બનાવી અને મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા હતા. જાન્યુઆરી 2016માં મુફ્તી મોહમ્મદ સઈદનું નિધન થઈ ગયું હતું. બાદમાં મહેબુબા મુફ્તી મુખ્યમંત્રી બન્યા હતા. 19 જૂન 2018ના ભાજપે પીડીપી સાથે ગઠબંધન તોડી દીધું હતું. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગૂ થયું હતું. અત્યારે ત્યાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે.