Electoral bonds: ચૂંટણી દાનનો ડેટા જાહેર, SCની સૂચના પર ચૂંટણી પંચે આંકડા જાહેર કર્યા
ચૂંટણી પંચે ઈલેક્શન બોન્ડને લઈને એસબીઆઈ તરફથી મળેલા ડેટાને પોતાની વેબસાઈટ પર અપલોડ કરી દીધો છે.
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ઈલેક્શન બોન્ડને લઈને એસબીઆઈ તરફથી મળેલા ડેટાને પોતાની વેબસાઇટ પર અપલોડ કરી દીધો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે સોમવારે ભારતીય સ્ટેટ બેન્કની તે અરજી નકારી દીધી હતી, જેમાં ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા માટે 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો.
ચૂંટણી પંચે ગુરૂવારે એક નિવેદનમાં કહ્યું- માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના 15 ફેબ્રુઆરી 11 માર્ચ 2024ના આદેશનું પાલન કરતા ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ) એ ચૂંટણી બોન્ડથી સંબંધિત ડેટા 12 માર્ચ 2024ના ભારતીય ચૂંટણી પંચને સોંપ્યો હતો. જેને ભારતીય ચૂંટણી પંચે આજે પોતાની વેબસાઇટ પર અપલોડ કરી દીધો છે. એસબીઆઈ દ્વારા પ્રાપ્ત ડેટાને યથાવત સ્થિતિમાં અપલોડ કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા પબ્લિક કરવામાં આવેલા ડેટાથી 12 એપ્રિલ બાદથી 1000 રૂપિયાથી 1 કરોડ રૂપિયાની કિંમતના ચૂંટણી બોન્ડની ખરીદીનો ખ્યાલ આવે છે. આ જાણકારી કંપનીઓ અને વ્યક્તિ વિશેષ બંને દ્વારા કરવામાં આવેલી ખરીદીને પણ દર્શાવે છે.
ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બંધારણીય પીઠે બેન્કની અરજી નકારી દીધી હતી. પીઠે એસબીઆઈને મંગળવાર 12 માર્ચે કામકાજ કલાકની સમાપ્તિ સુધી જાણકારીનો ખુલાસો કરવાનો આદેશ આપ્યો હતો. પાંચ ન્યાયાધીશોની પીઠ, જેમાં મુખ્ય ન્યાયાદીશ સિવાય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બીઆર ગવઈ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા સામેલ હતા.