Pilibhit Encounter: યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકીનો ખાતમો, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલાના હતા આરોપી
માર્યા ગયેલા આતંકીઓએ જ પંજાબના ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ અને બોમ્બ ફેક્યા હતા. તેમની પાસેથી બે એકે 47 અને બે ગ્લોક પિસ્તોલ મળી આવી છે. તેમના નામ ગુરવિન્દર સિંહ, વીરેન્દ્ર સિંહ અને જસનપ્રીત સિંહ છે.
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પંજાબ અને યુપી પોલીસે એક એન્કાઉન્ટરમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકીઓને ઠાર કર્યા છે. તેમની પાસેથી બે એકે 47 પણ મળી આવી છે. અત્રે જણાવવાનું કે માર્યા ગયેલા આતંકીઓએ જ પંજાબના ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ અને બોમ્બ ફેક્યા હતા. તેમની પાસેથી બે એકે 47 અને બે ગ્લોક પિસ્તોલ મળી આવી છે. તેમના નામ ગુરવિન્દર સિંહ, વીરેન્દ્ર સિંહ અને જસનપ્રીત સિંહ છે.
કોણ છે આ ત્રણેય આરોપીઓ
પીલીભીતના પુરનપુરમાં આ અથડામણ થઈ. આ અથડામણમાં વારદાતને અંજામ આપનારા 3 આરોપીઓને ગોળી વાગી હતી. જેના કારણે આરોપીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે ખાલિસ્તાની આતંકીઓ ઠાર થયા છે તેમાં ગુરુદાસપુરના કલાનૌરનો 25 વર્ષનો ગુરવિન્દર સિંહ (પુત્ર ગુરુદેવ સિંહ) અને ગુરુદાસપુરના કલાનૌરના અગવાન ગામનો 23 વર્ષનો વિરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ (પુત્ર રણજીત સિંહ) તથા ગુરુદાસપુરના કલાનૌરના નિક્કા સૂરનો 18 વર્ષનો પુત્ર જસનપ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહ સામેલ છે.
પોલીસ અને ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના આતંકીઓ વચ્ચે થયેલી અથડામણની તસવીરો પણ સામે આવેલી છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે આતંકીઓએ પોલીસની ગાડી ઉપર પણ ફાયરિંગ કર્યું છે. ગાડીઓ પર ગોળીના નિશાન જોવા મળી રહ્યા છે. ઘટનાસ્થળેથી એક બાઈક પણ મળી આવી છે.
શું છે મામલો
વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલા પંજાબમાં પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો થયો હતો. એક મહિનામાં આ સાતમો હુમલો હતો. એટેકની જવાબદારી ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સે લીધી હતી. જણાવવામાં આવ્યું હતું કે હુમલાખોરો ઓટોમાં બેસીને આવ્યા અને પોલીસ ચોકી પર ગ્રેનેડ ઉછાળીને જતા રહ્યા. આ પોલીસ ચોકી લગભગ એક મહિના પહેલા જ બંદ કરી હોવાના કારણે કોઈને નુકસાન થયું નહતું.
કોણે કર્યો હતો હુમલો
આ હુમલાની જવાબદારી લેતા આતંકી સંગઠન ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. જેમાં કહ્યું હતું કે 18 ડિસેમ્બરના રાતે કલાનૌરની બખ્શીવાલા પોલીસ ચોકી પર ગ્રેનેડ એટેક ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સે કર્યો. આ હુમલો રણજીત સિંહ જમ્મુના નેતૃત્વ અને ભાઈ જસવિંદર સિંહ બાગી ઉર્ફે મનુ અગવાનની દેખરેખમાં થયો. પંજાબ જ નહીં અન્ય રાજ્યોમાં પણ શીખો વિશે એલફેલ બોલનારાઓને જવાબ મળતો રહેશે.
પોલીસ ચોકી પર થયેલા આ હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. રાષ્ટ્રીય એજનસીઓએ પણ રાજ્યમાં મોટા આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું હતું. પંજાબમાં એનઆઈએએ આઠ જગ્યાઓ પર રેડ મારી હતી જેના આધારે આતંકી હુમલાના ઈનપુટ મળ્યા હતા. આ રિપોર્ટ પંજાબ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ ચોકી પર હુમલો કરનારાઓની શોધમાં પંજાબ પોલીસ યુપી પહોંચી હતી. જ્યાં પીલીભીતમાં યુપી પોલીસ અને પંજાબ પોલીસની જોઈન્ટ ટીમ સાથે હુમલાખોરોની અથડામણ થઈ.