નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રોબર્ટ વાડ્રાના દિલ્હીમાં આવેલી ત્રણ ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ વાડ્રાની નજીક રહેલા ત્રણ લોકોની ઓફિસ પર ED દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. વાડ્રાના વકીલે જણાવ્યું કે, અણઆરા લોકોને અંદર કરી દેવાયા છે. કોઈને અંદર જવાની મંજુરી આપવામાં આવતી નથી. તેના વકીલે જણાવ્યું કે, જેલમાં કેદ કરી દેવા જેવી આ કાર્યવાહી ખોટી છે. જે લોકોને અંદર કરાયા છે તેઓ સ્કાયલાઈટ હોસ્પિટાલિટી માટે કામ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EDના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, EDએ બેંગલુરુમાં પણ વાડ્રાના નજીકના લોકોને ત્યાં દરોડાની કાર્યવાહી કરી છે. વાડ્રાના વકીલ સુમન જ્યોતિ ખેતાને જણાવ્યું કે, એક ન્યુઝ પેપરના અનુસાર મારા ક્લાયન્ટને ED તરફથી ત્રણ સમન્સ પાઠવવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી અમને એક પણ સમન્સ મળ્યા નથી. વકીલે જણાવ્યું કે, EDના અધિકારીઓ પાસે સર્ચ વોરન્ટ નથી, તેમ છતાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. 



પ્રાપ્ત માહિતી મુજબ જે લોકોની ઓફિસોમાં દરોડો પાડવામાં આવ્યા છે, તેમના બેન્ક એકાઉન્ટમાં ડિફેન્સ સપ્લાયર્સ તરફથી મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. તેના પુરાવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે છે. 



વાડ્રાના વકીલે જણાવ્યું કે, છેલ્લા સાડાચાર વર્ષમાં કશું જ મળ્યું નથી. અમને બહાર કાઢી મુકાયા છે અને અંદર ખોટા પુરાવા એક્ઠા કરવા માટે બધા બેસી ગયા છે. 



તાજેતરમાં જ ED દ્વારા વાડ્રાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જેના અંગે વાડ્રાએ જણાવ્યું હતું કે તેની સાથે રાજકીય બદલો લેવામાં આવી રહ્યો છે. સરકારી વિભાગોનો ઉપયોગ કરીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, "અગાઉ પણ તેમને દસ્તાવેજો માટે સમન્સ મોકલાયો હતો. મારા વકીલને ત્રણ કલાક સુધી રાહ જોઈને વિગતવાર દસ્તાવેજો સોંપ્યા છે. તેના 24 કલાકમાં જ બીજું સમન્સ પાઠવવામાં આવ્યું છે તે વિચિત્ર વાત છે. મારા તરફથી રજૂ કરાયેલા 600 દસ્તાવેજો પર કોઈ નજર નાખવામાં આવી નથી."