પીએમ મોદીએ કરી વિંગ કમાંડર અભિનંદનની પ્રશંસા - `સમગ્ર દેશને ગર્વ છે`
વડા પ્રધાને જણાવ્યું કે, દેશની પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન પણ તમિલનાડુના છે, મને એ વાતનું પણ ગર્વ છે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કન્યાકુમારીમાં શુક્રવારે વિવિધ રેલ-સડક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતીય વાયુસેનાના વીર જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદનને પણ યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, દરેક ભારતીયને વિંગ કમાન્ડર અભિનંદ પર ગર્વ છે. અભિનંદન તમિલનાડુનો છે અને દેશના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમન પણ તમિલનાડુનાં છે. આ બાબતનો મને ગર્વ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમિલનાડુમાં રૂ.2,995 કરોડના વિવિધ ધોરિમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને લોકાર્પણ કર્યું હતું. તેમણે સડક સુરક્ષા પાર્ક અને પરિવહન સંગ્રહાલયનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
કન્યાકુમારીમાં આયોજિત જનસભામાં લોકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, તમિલનાડુમાં રહેતા બહાદુર વિંગ કમાન્ડર અભિનંદનને યાદ કર્યો અને જણાવ્યું કે, સમગ્ર દેશને વિંગ કમાન્ડર પર ગર્વ છે. આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે, પાછલી સરકારોમાં આતંકવાદી હુમલા સામે કડક કાર્યવાહી કરાઈ ન હતી, પરંતુ અમારી સરકારે સેનાને આતંકવાદીઓ સામે બદલો લેવાની ખુલ્લી છૂટ આપી છે.
દુશ્મનના ગઢમાં પણ 'અભિનંદને' બતાવી નીડરતા, જાણો પાઈલટની શૌર્યગાથા
ઉલ્લેખનીય છે કે, બુધવારે (27 ફેબ્રુઆરી) સવારે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ કરવા દરમિયાન ભારતે પાકિસ્તાનનું એક એફ-16 વિમાન તોડી પાડ્યું હતું. આ જવાબી કાર્યવાહીમાં ભારતનું મિગ-21 વિમાન પણ તુટી પડ્યું હતું. આ વિમાનમાં સવાર પાઈલટ અભિનંદન વર્થમાન પેરાશૂટથી નીચે કૂદી ગયો હતો. એ સમયથી તે પાકિસ્તાનની કસ્ટડીમાં છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ગુરુવારે સંસદમાં જાહેરાત કરી હતી કે, અભિનંદનને શુક્રવારે 'શાંતિની પહેલ' અંતર્ગત પાકિસ્તાન ભારતને પરત કરશે.