નવી દિલ્હી : ઇવીએમ હેકીંગ મુદ્દે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ હેકિંગ કાર્યક્રમની પટકથા કોંગ્રેસે લખી છે અને કોંગ્રેસ પાર્ટીના ઇશારે જ તેનું આયોજન થઇ રહ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી તથા માહિતી અને ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પુછ્યો, આ આયોજમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ શું કરી રહ્યા હતા ?  કઇ હેસિયતથી તેઓ ત્યાં હાજર હતા ? મને વિશ્વાસ છે કે કપિલ સિબ્બલ કોંગ્રેસ પાર્ટી તરફથી સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. શું કોંગ્રેસ દ્વારા આયોજીત આ આયોજન 2014માં મળેલા જનાદેશનું અપમાન કરવા માટે કરવામાં આવ્યું હતું ?

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં રાજદ્વારી શરણ ઇચ્છતા એક ભારતીય સાઇબર નિષ્ણાંત સૈયદ શુજાએ સોમવારે દાવો કર્યો કે, ભારતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિંક વોટિંગ મશીન (ઇવીએમ) દ્વારા ગોટાળા થયા હતા. તેનો દાવો છે કે ઇવીએમને હેક કરવામાં આવી શકે છે. સ્કાઇપ દ્વારા લંડનમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા વ્યક્તિએ દાવો કર્યો કે 2014માં તે ભારતમાંથી ભાગી ગયો હતો કારણ કે પોતાની ટીમનાં કેટલાક સભ્યોનાં મોતની ઘટના બાદ તે ડરેલો હતો. વ્યક્તિની ઓળખ સૈયદ શુઝા તરીકે થઇ છે. 

પત્રકાર પરિષદ કરનારા સૈયદ સુજાએ કહ્યું કે, ઇવીએમ મુદ્દે ભારતમાં મોટુ કાવત્રું રચાઇ રહ્યું છે. સૌથી મોટી વાત છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ પણ હાજર હતા. ભાજપે આ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા નલિક કોહલીએ કહ્યું કે, કોંગ્રેસ વિદેશી શક્તિઓનો હાથો બની રહ્યું છે. બીજી તરફ ચૂંટણી પંચે ઇવીએમ સંપુર્ણ પારદર્શક અને સુરક્ષીત હોવાનો દાવો કર્યો હતો. 

મીડિયા રિપોર્ટ અનુસાર એક અમેરિકી સાઇબર એક્સપર્ટનો દાવો છે કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હેક કરવામાં આવી શકે છે. લંડનમાં ચાલી રહેલ હેકથોનમાં સાઇબર એક્સપર્ટે દાવો કર્યો કે, ભાજપના નેતા ગોપીનાથ મુંડેની હત્યા પણ ઇવીએમ કાવત્રા હેઠળ થયો છે.