નવી દિલ્હી :લોકસભા ઈલેક્શનને પગલે રાજકીય પક્ષોમાં તોડજોડનું રાજકારણ તો ચાલી જ રહ્યું છે, પણ સાથે જ અનેક મહાનુભાવોએ રાજકીય ક્ષેત્રમા એન્ટ્રી કરી છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા છે. ફાઈનાન્સ મિનીસ્ટર અરુણ જેટલી અને કાયદા મંત્રી રિવશંકર પ્રસાદે તેમનુ પક્ષમાં સ્વાગત કર્યું છે. પાર્ટી તેમને નવી દિલ્હી સંસદીય ક્ષેત્રથી ટિકીટ આપી શકે છે. આ સીટ મીનાક્ષી લેખી હાલ સાંસદ છે. જેમની ટિકીટ કાપીને ભાજ ગૌતમ ગંભીરને ઈલેક્શન લડાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંભીરના રાજકીય પક્ષમાં જોડાવાની ચાલી રહેલા ચર્ચાનો આખરે અંત આવ્યો છે. ચર્ચા હતી કે, તેઓ રાજનીતિમાં ઉતરી શકે છે. તેઓ ટ્વિટર પર પણ હંમેશા અરવિંદ કેજરીવાલની આલોચના કરતા હતા. પત્રકાર પરિષદમાં અરુણ જેટલીએ સિદ્ધુ પર નિશાન તાકતા કહ્યુ કે, એક ક્રિકેટર હતા, જે પાકિસ્તાનના હિતેચ્છુ બની ગયા, તો ગંભીરનો રેકોર્ડ તો આવો નથી રહ્યો. 


બીજેપીમાં સામેલ થઈને ગંભીરે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રભાવિત છું. હું વડાપ્રધાનની આશા પર ખરો ઉતરવાનો પ્રયાસ કરીશ. ઈલેક્શન લડશે કે નહિ તે બાબતે પૂછાતા અરુણ જેટલીએ કહ્યું કે, તેમના ચૂંટણી અંગે પાર્ટી નિર્ણય લેશે. જે પણ હશે તે અમે જાહેર કરશું. હાલ તો તેઓ કાર્યકર તરીકે પક્ષની પ્રગતિ માટે કામ કરશે. 


ગૌતમ ગંભીરનું ક્રિકેટ કરિયર
37 વર્ષના ક્રિકેટર ગૌતમ ગંભીર ભારત માટે કુલ 58 ટેસ્ટ અને 147 વનડે મેચ રમ્યા છે. તેઓ 2011માં આઈસીસી વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ હતા. ગંભીરે વર્લ્ડકપના ફાઈનલમાં 97 રનની દમદાર જમાવટ કરી હતી. તેમણે ટેસ્ટમાં 4154 અને વનડેમાં 5238 રન બનાવ્યા છે. ગંભીરે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ ઈંગ્લેડની વિરુદ્ધ નવેમ્બર 2016માં રમી હતી. આ ઉપરાંત ડિસેમ્બર, 2012માં ગંભીરે ઈન્ટરનેશનલ ટી20 મેચ અમદાવાદમાં પાકિસ્તાનની વિરુદ્ધ રમ્યા હતા. 


ઉલ્લેખનીય છે કે, બોલિવુડ અને ક્રિકેટ ક્ષેત્રની અનેક હસ્તીઓ રાજકારણમાં જોડાઈ છે. જેના ઉદાહરણ, રાજ બબ્બર, હેમા માલિની, નવજોતસિંહ સિદ્ધુ, મૌસમી ચેટરજી, શત્રુધ્ન સિન્હા જેવી હસ્તીઓ રાજકારણમાં પગદંડો જમાવી ચૂકી છે. હજી બે દિવસ પહેલા બોલિવુડ એક્ટર સલમાન ખાન ચૂંટણી લડે તેવી વાત આવી હતી, જોકે ખુદ સલમાને આ વાત પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું હતું કે, ન તો હું ચૂંટણી લડવાનું છું, ન તો હું કોઈ પક્ષ માટે પ્રચાર કરવાનો છું.