નવી દિલ્હી : ભારતમાં આઇપીએલ સટ્ટાકાંડ વધુ ચર્ચા જગાવી રહ્યો છે. સૌથી પહેલા અલ જજીરાના વીડિયોમાં ભારતીય ક્રિકેટરોના નામ લેવાની વાત સામે આવી હતી. મુંબઇ પોલીસના હાથે લાગેલ બૂકી સોનૂ જાલાને સટ્ટાકાંડમાં અભિનેતા અરબાઝ ખાનનું નામ લેતાં ખળભળાટ મચ્યો હતો. જોકે બાદમાં પુછપરછ દરમિયાન અરબાજ ખાને પણ પૈસા લગાવ્યાની વાત કબૂલી હતી. ત્યાર બાદ અરબાજ ઉપરાંત અન્ય બોલીવુડ હસ્તીઓના નામ સામે આવ્યા છે. હાલમાં ઝી ન્યૂઝ પાસે ક્રિકેટના સટ્ટાકાંડ અંગેનો એક એક્સક્લુસિવ વીડિયો હાથ લાગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોમાં સટ્ટાકાંડમાં બૂકી સોનૂ જાલાન કોઇ સાથે ફોન પર વાત કરી રહ્યો છે. સોનૂ જાલાનની મહારાષ્ટ્ર પોલીસ ધરપકડ કરી છે જે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે સંપર્કમાં હોવાનું કહેવાય છે. એની પુછપરછ દરમિયાન અરબાઝ ખાનનું નામ સામે આવ્યું હતું અને પુછપરછમાં આઇપીએલમાં સટ્ટાકાંડની વાત કબૂલી હતી. આ મામલે ઉંડાઇથી તપાસ ચાલી રહી છે. 


આ વીડિયોમાં સોનૂ જાલાન કોઇની સાથે વાત કરી રહ્યો છે જેમાં તે વારંવાર એક મોટા સટ્ટેબાજ જૂનિયર કોલકત્તાનું નામ લઇ રહ્યો છે. આ સાથે જ તે સટ્ટાકાંડના અધધ... રૂપિયાની પણ વાત કરી રહ્યો છે. સોનૂ સ્પષ્ટ બોલી રહ્યો છે કે 60 ટ્રક ભરીને રૂપિયા છે, બધામાં વહેંચી દો. થાણે પોલીસના હાથમાં આ વીડિયો આવતાં તે સોનૂના મોબાઇલ અને લેપટોપની તપાસ કરી રહ્યું છે. 


સોનૂ પોલીસના હાથે ઝડપાઇ જતાં ભારતીય ક્રિકેટમાં સટ્ટાકાંડનો વધુ એક વાર પર્દાફાશ થયો છે. તપાસ અને પુછપરછ દરમિયાન સામે આવ્યું કે, સોનૂ જાલામ, દાઉદ ઇબ્રાહિમનો ખાસ છે અને દેશમાં અન્ય બૂકીઓના સંપર્કમાં રહી નેટવર્ક ચલાવી રહ્યો છે. સાથોસાથ જૂનિયર કોલકત્તાના પણ સીધા સંપર્કમાં હતો. કે જેની ક્રિકેટના લોકો સાથે મિટિંગ કરાવવાની જવાબદારી હતી. સોનૂના મોબાઇલમાંથી કેટલીક તસ્વીરો અને માહિતી મળી છે જે જૂનિયર કોલકત્તા સાથે રોબિન મૌરિસ વર્ષ 2015માં 14 સપ્ટેમ્બરે થાઇલેન્ડમાં મળ્યો હતો. આ મુલાકાત પાછળ શું કારણ હતું? જેની પોલીસ તપાસ કરી રહી છે. 


500 કરોડનું કલેકશન
સોનૂના ઘરથી પોલીસને એક ડાયરી મળી હતી જે અનુસાર આઇપીએલના વર્ષ 2018 સિઝનમાં સોનૂનું બેટીંગ કલેકશન 500 કરોડ રૂપિયા હતું. જેમાંથી માત્ર ફાઇનલ મેચનું કલેકશન અંદાજે 10 કરોડ હતું. આ ડાયરીમાં દેશ વિદેશના અંદાજે 30 મોટા બૂકીઓના નામ કોડવર્ડમાં લખાયા છે. સોનૂ સટ્ટા બજારમાં થનારી કમાણીને હવાલા મારફતે મુંબઇથી દુબઇ અને દુબઇથી કરાંચીમાં પોતાના આકાઓ સુધી પહોંચાડતો હતો. થાણે પોલીસે જોકે આ હવાલા નેટવર્કનો પર્દાફાશ કરવામાં જોતરાઇ છે. 


સોનૂનું દુબઇ કનેકશન...
કહેવાઇ રહ્યું છે કે, સોનૂ દાઉદ ઇબ્રાહિમના પાકિસ્તાન સ્થિત નેટવર્ક ચલાવતા અહતેશામ અને ડોક્ટરના સીધા સંપર્કમાં હતો. ભારત, પાકિસ્તાન, દુબઇ અને ખાડી દેશોમાં સટ્ટા બજારનું બધુ કલેકશન ડોક્ટર અને અહતેશામ પાસે જતું હતું. અને દાઉદના આ બંને ખાસ અનીસ ઇબ્રાહિમ અને શકીલને રિપોર્ટ કરતા હતા. આ ઉપરાંત સોનૂ દુબઇમાં દાઉદના અંગત રઇસ સિદ્દીકી અને અનિલ કોઠારી ઉર્ફે અનિલ ટુંડા સાથે પણ સતત સંપર્કમાં હતો. રઇસ અને અનિલ બંને દુબઇમાં ડી કંપની માટે સટ્ટો ઓપરેટ કરે છે. આ લોકોમાં દુબઇમાં ઘણી વાર મિટિંગ પણ થઇ ચૂકી છે. 


સ્પોર્ટ્સના વધુ ન્યૂઝ, જાણો