Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો, ભાજપને બમ્પર સીટો
Odisha Exit Poll: એક્ઝિટ પોલ અનુસાર મુખ્યમંત્રી નવીન પટનાયકની બીજેડીને ઓડિશા વિધાનસભામાં 62-80 સીટો મળી શકે છે. બીજેડી 2004 બાદ પ્રથમવાર બહુમતના આંકડાથી દૂર રહી શકે છે.
Odisha Assembly Election Exit Poll: લોકસભા ચૂંટણીની સાથે આ વખતે ઓડિશા વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ હતી. હવે વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પણ સામે આવ્યા છે. લોકસભા ચૂંટણીની જેમ બીજૂ જનતા દળ (બીજેડી) ને ઓડિશા વિધાનસભામાં પણ ઝટકો લાગવાનું અનુમાન છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર ઓડિશા વિધાનસભાની કુલ 147 સીટોમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. બીજેડીની સીટમાં ઘટાડો તો ભાજપને ફાયદો થઈ રહ્યો છે.
એક્ઝિટ પોલ અનુસાર મુખ્યમંત્રી નવીન પટનાયકની બીજેડીને ઓડિશા વિધાનસભામાં 62-80 સીટો મળી શકે છે. બીજેડી 2004 બાદ પ્રથમવાર બહુમતના આંકાડાથી દૂર રહી શકે છે. તો ભાજપને એક્ઝિટ પોલમાં મોટો ફાયદો થઈ રહ્યો છે. ભાજપને ઓડિશામાં 62-80 સીટો મળવાનું અનુમાન છે. આ પ્રમાણે જુઓ તો ભાજપને રાજ્યમાં 48 સીટનો ફાયદો થઈ શકે છે. જ્યારે બીજેડીએ 42 સીટનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. કોંગ્રેસને 5-8 સીટો મળવાનું અનુમાન છે. અન્યના ખાતામાં એકપણ સીટ આવવાની શક્યતા નથી.
આ પણ વાંચોઃ ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
જો વોટ શેરની વાત કરીએ તો ભાજપને રાજ્યમાં મોટો ફાયદો થઈ રહ્યો છે. પાર્ટીનો વોટ શેર 42 ટકા સુધી જઈ શકે છે. બીજેડીનો વોટ શેર ઘટીને 42 ટકા પર આવી શકે છે, જ્યારે કોંગ્રેસને 12 ટકા મત મળી શકે છે. ઓડિશા વિધાનસભાની 147 સીટો પર ચાર તબક્કામાં મતદાન થયું હતું. સૌથી પહેલો ફેઝ 13 મેએ, પછી 20, 25 મે અને 1 જૂને મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી સાથે ઓડિશામાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન થયું હતું. 2019ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો બીજેડી સૌથી મોટી પાર્ટી બની હતી. ત્યારે બીજેડીને 112 સીટ મળી હતી, જ્યારે ભાજપના ખાતામાં 23 સીટ આવી હતી. તો કોંગ્રેસે નવ સીટથી સંતોષ કરવો પડ્યો હતો.
લોકસભા ચૂંટણીમાં પણ નવીન પટનાયકને મોટો ઝટકો
લોકસભા ચૂંટણીના સામે આવેલા એક્ઝિટ પોલ પ્રમાણે ઓડિશામાં બીજેડીને મોટો ઝટકો લાગી શકે છે. એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર ઓડિશાની 21 લોકસભા સીટમાંથી ભાજપ 18-20 સીટ મળી શકે છે. જ્યારે બીજેડીને 0-2 સીટ મળી શકે છે. તો કોંગ્રેસના ખાતામાં 0-1 સીટ આવવાનું અનુમાન છે.