Explainer: શું સરકાર તમારી સંપત્તિ છીનવીને જનતામાં વહેંચી શકે? જાણો શું કહે છે સુપ્રીમ કોર્ટ
Supreme Court: શું સરકાર ખાનગી માલિકીની સંપત્તિનું પુર્નવિતરણ કરી શકે ખરી? રાજકીય ચર્ચા વચ્ચે આ સવાલ સુપ્રીમ કોર્ટ સામે પણ ઉઠ્યો છે. બુધવારે કોર્ટે આ સંલગ્ન કેસ પર સુનાવણી શરૂ કરી
શું સરકાર ખાનગી માલિકીની સંપત્તિનું પુર્નવિતરણ કરી શકે ખરી? રાજકીય ચર્ચા વચ્ચે આ સવાલ સુપ્રીમ કોર્ટ સામે પણ ઉઠ્યો છે. બુધવારે કોર્ટે આ સંલગ્ન કેસ પર સુનાવણી શરૂ કરી. કોર્ટે નક્કી કરવાનું છે કે જો ખાનગી સંપત્તિઓને 'સમુદાયના ભૌતિક સંસાધન' માનવામાં આવે તો શું સરકાર તેનું અધિગ્રહણ અને પુર્નવિતરણ કરી શકે? બંધારણની કલમ 39(b) માં એવી વ્યવસ્થા છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 9 જજોની બંધારણીય બેન્ચે આ કેસમાં ચુકાદો આપવાનો છે. બુધવારે કોર્ટે કહ્યું કે વર્તમાન પેઢી દ્વારા ભાવી પેઢીઓ વચ્ચે અંતર હોવું જોઈએ. સીજેઆઈએ કહ્યું કે સામુદાયિક સંપત્તિઓમાં કુદરતી સંસાધન સામેલ હશે. અમે એ ન કહી શકીએ કે કલમ 39(b)જળ, જંગલ અને ખાણ જેવી પ્રાઈવેટ પ્રોપર્ટીઝ પર લાગૂ થતો નથી. પરંતુ તેને કોઈની પ્રાઈવેટ પ્રોપર્ટીને વહેંચવાના સ્તર સુધી લઈ જવો જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટ સામે શું છે મામલો
સુપ્રીમ કોર્ટ સામે હાલ જે કેસ છે તે મહારાષ્ટ્ર આવાસ અને ક્ષેત્ર વિકાસ અધિનિયમ 1976 (MHADA)માં 1986ના સંશોધનને મુંબઈમાં સંપાદિત સંપત્તિઓના માલિકોનો પડકાર છે. 1976માં MHADA ને એટલા માટે બનાવવામાં આવ્યું હતું કારણ કે મુંબઈની અનેક જૂની, જર્જરિત ઈમારતોમાં લોકો રહેતા હતા. MHADA દ્વારા આવી ઈમારતોમાં રહેતા લોકો પાસેથી સેસ વસૂલાવા લાગ્યો. આ પૈસાનો ઉપયોગ મરામતનું કામ અને પુર્નનિર્માણમાં થવાનો હતો.
1986 માં MHADA માં કલમ 39(b)નો હવાલો આપીને કલમ 1એ જોડવામાં આવી. આ કલમ દ્વારા જમીનો અને મકાનોનું 'સંપાદન' કરીને તેમને 'જરૂરિયાતવાળા લોકો' અને 'એવી જમીનો અને ઈમારતોના કબજેદારો'ને ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા કરાઈ. સંસોધન દ્વારા કાનૂનમાં અધ્યાય VIII-A પણ જોડવામાં આવ્યો. તેમાં જોગવાઈ છે કે જો 70 ટકા રહેવાસીઓ એવી ભલામણ કરે તો રાજ્ય સરકારને સેસવાળી ઈમારતો (અને જે જમીન પર તે બની છે)નું સંપાદન કરવાની મંજૂરી રહેશે.
મુંબઈમાં પ્રોપર્ટી ઓર્સ એસોસિએશને MHADA ના ચેપ્ટર VIII-Aને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. દલીલ આપી કે તેનાથી કલમ 14 હેઠળ મળેલી સમાનતાના હકનો ભંગ થાય છે. હાઈકોર્ટથી રાહત ન મળતા અરજીકર્તા ડિસેમ્બર 1992માં સુપ્રીમ કોર્ટ ગયા. સુપ્રીમ કોર્ટમાં એ સવાલ ઉઠ્યો કે શું કલમ 39(b) માં જણાવવામાં આવેલા સમુદાયના ભૌતિક સંસાધનોમાં ખાનગી સંપત્તિ સામેલ છે કે નહીં. જેમાં સેસવાળી ઈમારતો પણ સામેલ હશે. માર્ચ 2001માં પાંચ જજોની બેન્ચે આ મામલાને આગળ મોટી બેન્ચમાં મોકલી દીધો. ફેબ્રુઆરી 2002માં સાત જજોની બેન્ચે જસ્ટિસ ઐય્યરની વ્યાખ્યાને ગંભીરતાથી લીધી પરંતુ આ મામલાને નવ જજોની બેન્ચને હવાલે કરી દીધો. આ નવ જજોની બેન્ચ કેસની સુનાવણી કરી રહી છે.
શું લખ્યું છે બંધારણની 39(b)માં
કલમ 39(b) બંધારણના ભાગ IV માં અપાયેલા 'રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો' હેઠળ આવે છે. તે મુજબ એ રાજ્યની જવાબદારી છે કે તેઓ એવી નીતિ બનાવે જેનાથી સમુદાયના ભૌતિક સંસાધનોનું સ્વામિત્વ અને નિયંત્રણ એ પ્રકારે વિતરિત થાય કે સામાન્ય લોકોની ભલાઈ માટે તે સર્વોત્તમ હોય. નીતિ નિર્દેશક સિદ્ધાંત ફક્ત માર્ગદર્શન માટે છે. તેને કોઈ પણ કોર્ટમાં સીધા લાગૂ કરી શકાય નહીં.
1977થી લઈને અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટે અનેકવાર કલમ 39(b) ની વ્યાખ્યા કરી છે. 1977માં કર્ણાટક વિરુદ્ધ શ્રી રંગનાથ રેડ્ડી મામલામાં સુપ્રીમ કોર્ટના 7 જજોની બેન્ચે 4:3થી ચુકાદો આપ્યો હતો કે ખાનગી માલિકીવાળી સંપત્તિ 'સમુદાયના ભૌતિક સંસાધનો'ના દાયરામાં આવતી નથી. તે નિર્ણયમાં જસ્ટિસ કૃષ્ણ ઐય્યરની અલ્પમતવાળી રાય આગળ જઈને ખુબ મહત્વની સાબિત થઈ.
જસ્ટિસ ઐય્યરે કહ્યું હતું કે ખાનગી સંપત્તિઓને પણ સમુદાયના ભૌતિક સંસાધનોમાં ગણવી જોઈએ. 1983માં સંજીવ કોક મેન્યુફેક્ચરીંગ કંપની વિરુદ્ધ ભારત કોકિંગ કોલવાળા કેસ માં પાંચ જજોની બેન્ચે જસ્ટિસ ઐય્યરવાળી વ્યાખ્યા પર મહોર લગાવી હતી. 1996ના મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ ભારત સંઘ કેસમાં પણ જસ્ટિસ ઐય્યરની વ્યાખ્યાનો સહારો લેવામાં આવ્યો હતો.
અત્રે જણાવવાનું કે હાલ દશમાં લોકસભા ચૂંટણી ચાલે છે. વોટર્સને આકર્ષવા માટે મુખ્ય વિપક્ષી દળ, કોંગ્રેસ તરફથી વારસાગત સંપત્તિ પર ટેક્સનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર બનશે તો બધાની સંપત્તિઓની તપાસ થશે. એ જાણકારી મેળવવામાં આવશે કે કોની પાસે કેટલી સંપત્તિ છે. બાકી કસર સામ પિત્રોડાએ પૂરી કરી. પિત્રોડાએ વારસાગત સંપત્તિ પર ટેક્સના પક્ષમાં વાત કરી. રાહુલે ગત વર્ષ જેટલી વસ્તી એટલા હકનો નારો આપ્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદી અને સત્તાધારી ભાજપે કોંગ્રેસ નેતાઓના આ નિવેદનોને પકડી લીધા. મોદીએ કહ્યું કે કોંગ્રેસ લોકોની સંપત્તિઓ અને અધિકારો છીનવવાની 'ખતરનાક દાનત' રાખે છે. તેમણે LIC ની ટેગલાઈન દ્વારા વિપક્ષી દળ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસનો મંત્ર છે કે લૂંટ જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. કોંગ્રેસે પિત્રોડાના નિવેદનથી જો કે અંતર જાળવ્યું છે. પિત્રોડાએ કહ્યું કે મીડિયાએ તેમનું નિવેદન તોડી મરોડીને રજૂ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube