દેશની રાજધાની દિલ્હી નજીક ફરીદાબાદમાં ગરબા નાઈટ દરમિયાન કેટલાક લોકોએ એક દીકરીના પિતાને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા. આરોપી યુવતી સાથે જબરદસ્તીથી ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે તે યુવતીના પિતાએ તેનો વિરોધ કર્યો. આ ઘટના સોમવારે મોડી રાતે ગ્રેટર ફરીદાબાદ સેક્ટર 86માં બીપીટીપી પ્રિન્સેસ પાર્ક સોસાયટીની છે. ઘટના બાદ આરોપીઓ ભાગી ગયા. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે આ મામલે કેટલાક સંદિગ્ધ લોકોને કસ્ટડીમાં પણ લીધા છે અને પૂછપરછ ચાલુ છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ બીપીટીપી સોસાયટીમાં રહેતા પ્રેમ મહેતા (53) તરીકે થઈ છે. તેઓ રિકવરી એજન્ટ તરીકે કામ કરતા હતા. સોમવારે તેમની સોસાયટીમાં ડાંડિયા નાઈટનું આયોજન કરાયું હતું. તેમની પુત્રી કનિકાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે આ કાર્યક્રમમાં તે તેના પિતા સાથે ગઈ હતી. 


કહ્યું કે ડાંડિયામાં આરોપી લક્કી અને તેના બીજા સાથે જબરદસ્તીથી તેને ખેંચીને તેની સાથે ડાન્સ કરવા લાગ્યા. તેની માતાએ વિરોધ કર્યો તો આરોપી ભડકી ગયા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. વિવાદ વધતા તેના પિતા અને ભાઈએ વચ્ચે પડીને બચાવવાની કોશિશ કરી. એટલામાં આરોપીઓએ તેમની સાથે મારપીટ શરૂ કરી દીધી. આ દરમિયાન ધક્કો લાગવાથી પિતા જમીન પર પડી ગયા અને ઈજાગ્રસ્ત થતા તેમનું મોત નિપજ્યું. 


અફરાતફરીમાં તેમને  હોસ્પિટલ લઈ જવાયા અને ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. આ મામલે પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. ખેડી પુલ પોલીસે જણાવ્યું કે આ મામલે આગળની કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube