ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે આકાશમાં ઉડતું લડાકુ વિમાન જોયું હશે. પણ ક્યારેય રસ્તા પર દોડતું લડાકુ વિમાન જોયું છે. નહીં ને? ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવું યુદ્ધ વિમાન વાયરલ થઈ રહ્યું છે જે આકાશમાં ઉડતું નથી પણ રસ્તા પર દોડે છે. રસ્તા પર દોડતું લડાકુ વિમાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વિમાન ઓટોરિક્ષાની સ્પીડે રસ્તા પર દોડે છે. પંજાબના બઠિંડામાં આ ખાસ પ્રકારનું વાહન તૈયાર કરવામાં આવ્યું છે. બઠિંડાના રામા મંડીના કુલદીપસિંહ હુંજન અને આર્કિટેક્ટ રામપાલ બેહનીવાલે આ રસ્તા પર ચાલનારું લડાકુ વિમાન તૈયાર કર્યું છે. આ વાહન લગ્ન પ્રસંગમાં ખાસ દુલ્હા માટે તૈયાર કરવામાં આવ્યું છે. લગ્નમાં વરરાજા આને રથના સ્વરૂપે લઈ જઈ શકે છે. આ ખાસ પ્રકારનું વાહન બનાવવામાં કુલ અઢી લાખનો ખર્ચ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

50 વર્ષીય કુલદીપ સિંહનું કહેવું છે કે તેમને 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. અને તેઓ 14 વર્ષની ઉંમરથી જ ખેતી માટેના ઓજારો તૈયાર કરે છે. સાથી રામપાલ સાથે મળીને કંઈકને કંઈ નવું બનાવવાની કોશિશ કરે છે. આ પહેલાં પણ તેમને આવા અવનવા અખતરા કરેલા છે.


સખત મહેનત બાદ રસ્તા પર ચાલતું લડાકુ વિમાન તૈયાર કરવામાં આવ્યું છે. જે એક કલાકમાં 15થી 20 કિલોમીટર જેટલું અંતર કાપે છે. હવામાં ન અડતું પણ રસ્તા પર દોડતું આ વાહન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. એક નજરે આ વાહન જોઈને કોઈને પણ નવાઈ લાગે છે. સોશિયલ મીડિયામાં હાલ આ રસ્તા પર ચાલતા લડાકુ વિમાન ખૂબ વાયરલ થઈ રહ્યું છે.