લખનઉઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટ્વીટ કરવા અંગે કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલની સંયોજક દિવ્યા સ્પંદના સામે લખનઉમાં દેશદ્રોહ અને આઈટી એક્ટ અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે. FIR દાખલ કરનારા વકીલ સૈયદ રિઝવાન અહેમદે જણાવ્યું કે, તેની ટ્વીટ અપમાનજનક હતી. વડા પ્રધાન પદ આપણાં દેશના સાર્વભૌમત્વ અને ગણતંત્રનું પ્રતિનિધિત્વ કરે છે. સ્પંદનાની ટીવીટ આપણા દેશનું અપમાન છે. તેણે વડાપ્રધાન પદ અને દેશનું અપમાન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસની પૂર્વ સાંસદ અને સોશિયલ મીડિયા સેલની સંયોજક દિવ્ય સ્પંદનાએ રાફેલ ડીલ બાબતે પીએમ મોદી અંગે એક વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી. તેણે પીએમનો એક વિવાદાસ્પદ ફોટો ટ્વીટ કર્યો હતો. આ બાબતે લખનઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહ અને આઈટી એક્ટ અંતર્ગત વકીલ સૈયદ રિઝવાન અહેમદે ફરિયાદ દાખલ કરી છે. 



પોલીસના જણાવ્યા અનુસાર, વિવેકખંડમાં રહેતા વકીલ સૈયદ રિઝવાન અહેમદેની ફરિયાદના આધારે મંગળવારે FIR દાખલ કર્યા બાદ કેસની તપાસ સાઈબર સેલને સોંપી દેવાઈ છે. 



સ્પંદનાએ બુધવારે સમાચાર પત્ર નેશનલ હેરાલ્ડની એક ટ્વીટને પણ રિટ્વીટ કરી છે, જેમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણ પર તેમની પત્રકાર પરિષદમાંથી બે ફ્રેન્ચ પત્રકારોને કાઢી મુકવાની વાત છે. દિવ્યા સ્પંદના અગાઉ પણ આ પ્રકારની ટ્વીટ કરતી રહી છે.