ગુરુગ્રામઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાની મુશ્કેલીમાં વધારો થયો છે. હરિયાણાના ગુરુગ્રામના ખેડકી દૌલામાં જમીન ખરીદવાના કેસમાં રોબર્ટ વાડ્રા અને ભુપેન્દ્ર સિંહ હુડ્ડા સામે વધુ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એફઆઈઆરમાં આરોપ લગાવાયો છે કે, રોબર્ટ વાડ્રાએ પોતાની રાજકીય પહોંચ અને ભુપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે મળીને છોતરપિંડી આચરી છે. આ ઉપરાંત વાડ્રાની કંપની ડીએલએફ અને ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 


આ એફઆઈઆર ભારતીય દંડ સંહિતાની ધારા- 425, 120બી, 467, 468 અને 471 અંતર્ગત દાખલ કરાઈ છે. આ ઉપરાંત, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988ની ધારા-13 અંતર્ગત પણ કાર્યવાહી કરાઈ છે. એફઆઈઆર અનુસાર, 350 એકર જમીન રૂ.58 કરોડમાં રોબર્ટ વાડ્રાની કંપની ડીએલએફ અને સ્કાયલાઈટ હોસ્પિટાલિટીને ફાળવવામાં આવી હતી. આ જમીનની ફાળવણી ભુપેન્દ્ર સિંહ હુડ્ડા દ્વારા કરવામાં આવી હતી. 


એફઆઈઆરમાં જણાવાયું છે કે, આ જમીનને કારણે બંને કંપનીને લગભઘ રૂ.5 હજાર કરોડનો ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. તેના ઉપરાંત ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પણ આ કેસમાં સંડોવાયેલી છે. આ ઉપરાંત, આ કંપનીઓના જે લાયસન્સ બતાવવામાં આવ્યા છે તેમાં પણ અનિયમિતતા જોવા મળી છે. 


આ અંગે રોબર્ટ વાડ્રાએ શનિવારે જવાબ આપતા જણાવ્યું કે, સરકાર મુળ સમસ્યાઓથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે આમ કરી રહી છે. 'અત્યારે ચૂંટણીની મોસમ છે, પેટ્રોલ-ડીઝનાં ભાવ ઊંચે ગયા છે, આથી લોકોનું ધ્યાન આ મુદ્દેથી બીજે દોરવા માટે એક દાયકા જૂના મુદ્દાને ફરીથી ઉછાળવામાં આવ્યો છે. તેમાં નવું શું છે?'


એક દિવસ પહેલાં પણ વાડ્રાએ જમીનની છેતરપિંડી બાબતે દાખલ થયેલા કેસ અંગે જણાવ્યું હતું કે, 'હું આ દેશમાં જ છું. હું વિદેશમાં ભાગી ગયો નથી. તમને શું લાગે છે? જો તેના અંગે કોઈ સવાલ અથવા પ્રશ્નો હશે તો હું તેનો જવાબ આપવા તૈયાર છું.' 


આ અગાઉ યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને ઈન્કમ ટેક્સ વિભાગે રૂ.42 કરોડની બિનહિસાબી આવક બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ કેસ સ્કાયલાઈટ હોસ્પિટાલિટી સાથે જોડાયેલો હતો. જેમાં વાડ્રા પાસે 99 ટકા માલિકીના હક્ક છે.