મુંબઈ: દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ છે. આગ એટલી વિકરાળ છે કે ફાયરની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. મળતી માહિતી મુજબ આગને ઓલવવામાં ફાયરના 2 કર્મચારીઓ પણ દાઝી ગયા છે. અત્રે જણાવવાનું કે ગત એક અઠવાડિયામાં દક્ષિણ મુંબઈમાં આગ લાગવાની આ બીજી મોટી દુર્ઘટના છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે કે આગ કોઠારી મેન્શન નામની 6 માળની ઈમારતમાં લાગી. આગથી બિલ્ડિંગનો અડધો ભાગ તૂટી પડ્યો છે. જો કે રાહતની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જે સમયે આગ લાગી તે સમયે ઈમારત ખાલી હતી. પટેલ ચેમ્બર્સની અંદર આ આગ લાગી હતી. ફાયરના અધિકારીઓના કહેવા મુજબ આગ પહેલા 3 લેવલની હતી પરંતુ વધીને 4થા લેવલની કરી દેવાઈ.



આગ કયા કારણસર લાગી તે હજુ જાણી શકાયું નથી. ટ્રાફિક હાલ રોકી દેવાયો છે. કહેવાય છે કે બીએમસીએ આ ઈમારતને પહેલેથી જ જોખમી ગણાવી દીધી હતી. આ અગાઉ ગત શુક્રવારે જ દક્ષિણ મુંબઈમાં આવકવેરા વિભાગના સિંધિયા હાઉસમાં ભીષણ આગ લાગી હતી. આ વિભાગની ઓફિસમાં નીરવ મોદી જેવા અનેક આર્થિક અપરાધીઓ સંલગ્ન કાયદાકીય દસ્તાવેજો રખાયા હતાં.