મેરઠમાં 3 વર્ષની માસુમના મોઢામાં બોમ્બ ફોડ્યો, બાળકી ગંભીર
પોલીસે આરોપી સામે કેસ દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે, બાળકીને એક ડઝન કરતાં પણ વધુ ટાંકા આવ્યા છે
મેરઠઃ દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા દરમિયાન સાવચેતી રાખવાની સુચના આપવામાં આવે છે. ખાસ કરીને બાળકોને ફટાકડાથી દૂર રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે. મેરઠમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને ભલભલા વ્યક્તિનું હૃદય કાંપી જાય. એક આધેડે માત્ર 3 વર્ષની માસુમ બાળકીના મોઢામાં દીવાળીના ફટાકડાનો બોમ્બ ફોડી દીધો, જેના કારણે બાળકીને મોઢાના ચીંથરા ઉડી ગયા હતા.
મેરઠના સરધના વિસ્તારના મિલક ગાંમની આ ઘટના છે. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે. બાળકીને લોહીલૂહાણ હાલતમાં જોઈને ગ્રામીઓ તેની પાસે પહોંચ્યા ત્યારે ખબર પડી હતી. પોલીસ કેસ દાખલ કરીને આરોપીને શોધી રહી છે, પરંતુ તે હજુ સુધી પકડાયો નથી.
સરધના ક્ષેત્રના મિલક ગામમાં રહેતા શશિપાલે જણાવ્યું કે, તેની ત્રણ વર્ષની પુત્રી ઘરમાં રમી રહી હતી. ઘરની બહાર બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. આથી, બાળકી પણ તેમની સાથે રમવા દોડી ગઈ હતી.
એ દરમિયાન ગામનો એક આધેડ ત્યાં આવ્યો હતો અને તેણે માસુમ બાળકીના મોઢામાં બુલેટ બોમ્બ મુકીને દિવાસળી ચાંપી હતી. બોમ્બ ફૂટતાં બાળકીના મોઢાના ચીથરા ઊડી ગયા હતા. બાળકીની સ્થિતી અત્યારે અત્યંત નાજૂક છે.
લોકો કંઈ સમજીને આવે એ પહેલાં જ આરોપી ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. જોકે, ગ્રામીણોએ તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. માસુમ બાળકીના પિતા શશિપાલ તેને લઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી છે.
બાળકીને લગભગ એક ડઝન જેટલા ટાંકા આવ્યા છે. બાળકીના ગળાના અંદર સુધી ઈજાઓ પહોંચી છે, જેના કારણે તેની હાલત ગંભીર છે. બાળકીના પિતાએ આરોપીને પકડીને તેની સામે કડક કાર્યવાહીની માગણી કરી છે.