Corona Vaccine થી ભારતમાં પ્રથમ મોતની પુષ્ટિ, 68 વર્ષના વૃદ્ધે જીવ ગુમાવ્યો
કેન્દ્ર સરકાર તરફથી બનાવવામાં આવેલી પેનલે ભારતમાં કોરોના રસી આપ્યા બાદ પહેલા મોતની પુષ્ટિ કરી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) વિરુદ્ધ રસીને જ સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે અને દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી બનાવવામાં આવેલી પેનલે ભારતમાં કોરોના રસી આપ્યા બાદ પહેલા મોતની પુષ્ટિ કરી છે.
68 વર્ષના એક વૃદ્ધનું મોત
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારની પેનલના રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે રસી લીધા બાદ 68 વર્ષના એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. વૃદ્ધને 8 માર્ચ 2021ના રોજ રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. જેના થોડા દિવસ બાદ તેમનું મોત થયું હતું.
ત્રણ લોકોને થઈ હતી એનાફિલેક્સીસની સમસ્યા
રિપોર્ટ મુજબ 5 ફેબ્રુઆરીથી 31 માર્ચની વચ્ચે કોવિડ-19 રસી લેનારા લાખો લોકોમાંથી 3 લોકોને રસીના કારણે એનાફિલેક્સીસ (Anaphylaxis)ની સમસ્યા થઈ હતી. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું. ગંભીર આડઅસરની સરકારી સમીક્ષા મુજબ તે કોરોના વાયરસ રસી સંલગ્ન હોઈ શકે છે.
અત્યાર સુધીમાં 25.9 કરોડ ડોઝ અપાયા
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય(MoHFW) ના આંકડા મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 25 કરોડ 90 લાખ 44 હજાર 72 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 21 કરોડ 1 લાખ 66 હજાર 746 લોકોને પહેલો ડોઝ અપાયો છે. જ્યારે 4 કરોડ 88 લાખ 77 હજાર 326 લોકોને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube