નવી દિલ્હી: ભારતીય રેલ બહુ જલદી પોતાની હાઈ સ્પીડવાળી એન્જિનરહીત ટ્રેન T-18 પાટાઓ પર ઉતરવા જઈ રહી છે. લોકો એન્જિન વગરની આ ટ્રેનનું નિર્માણ ચેન્નાઈની કોચ ફેક્ટરીમાં લગભગ પૂરું થઈ ચૂક્યું છે. રેલવે આગામી પેઢીની આ ટ્રેનને 2018માં લોન્ચ કરવા જઈ રહી છે. આથી આ ટ્રેનનું નામ T-18 રાખવામાં આવ્યું છે. આ ટ્રેનનો પહેલો લૂક પણ લોકો વચ્ચે આવી ગયો છે. એક વીડિયોમાં આખી ટ્રેનને ચાલતી જોઈ શકાય છે. આ ટ્રેનને ખાસ પ્રકારે ડીઝાઈન કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવેલી આ ટ્રેન T-18ના પાટા પર  ઉતર્યા બાદ મુસાફરોને એક નવો અનુભવ થશે અને આ સાથે ટ્રેન ભારતીય રેલવેને એક નવી ઊંચાઈ પર લઈ જશે. કોચ ફેક્ટરીના જનરલ મેનેજર સુધાંશુ મનીના જણાવ્યાં મુજબ સ્વચાલિત  ટ્રેન T-18ની ડિઝાઈન કઈંક આ પ્રકારે કરવામાં આવી છે. જેના કારણે ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકશે. 


T-18ના સફળ પરીક્ષણ બાદ ભવિષ્યમાં શતાબ્દી ટ્રેનોને તેની સાથે રિપ્લેસ કરવાની યોજના છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી આ ટ્રેનને જુલાઈ 2018 સુધીમાં પરિચાલનમાં લાવવાની યોજના હતી પરંતુ કેટલીક સમસ્યાઓને પગલે આ તારીખને બદલવામાં આવી છે. 



રેલવે આ રેલગાડીને વર્ષના અંતમાં પાટા પર દોડાવવાની તૈયારી કરી રહ્યું છે. આ રેલગાડીને નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ભોપાલ વચ્ચે દોડાવી શકે છે. આ રૂટ પર આ ટ્રેન દોડાવવાની વિચારણા છે. નોંધનીય છે કે દિલ્હીથી આગરા વચ્ચે ચાલી રહેલી ગતિમાન એક્સપ્રેસ કે જેની ઝડપ પ્રતિ કલાક 160 કિમી છે તે દેશની સૌથી ફાસ્ટ ટ્રેન છે. 


આ ગાડી અગાઉ ભોપાલ શતાબ્દી દેશની સૌથી ફાસ્ટ ટ્રેન હતી. આ ગાડી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે. જ્યારે T-18ને પણ સેમી હાઈ સ્પીડ ટ્રેનની શ્રેણીમાં રાખવામાં આવી છે. આ ગાડીને 160 કિમી પ્રતિ કલાક સુધી દોડાવવાની સંભાવના છે.