જનરલ બિપિન રાવત બાદ કોણ બનશે દેશના આગામી CDS, રેસમાં સૌથી આગળ આ નામ!
દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું અકાળે હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયેલા મોતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. રક્ષા ક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જનારા જનરલ રાવતનું આ રીતે અકાળે વિદાય થવું એ ખુબ મોટી ક્ષતિ છે.
નવી દિલ્હી: દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું અકાળે હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયેલા મોતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. રક્ષા ક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જનારા જનરલ રાવતનું આ રીતે અકાળે વિદાય થવું એ ખુબ મોટી ક્ષતિ છે. 2 દિવસથી શ્રદ્ધાંજલિનો દોર ચાલુ છે. તેમના નિધને દેશના સુરક્ષા તંત્રના સૌથી મોટા પદને ખાલી કરી દીધુ છે જેને જેમ બને તેમ જલદી ભરવા માટે સરકાર જલદી પ્રક્રિયા શરૂ કરશે. આવામાં સવાલ એ છે કે દેશના આગામી CDS કોણ?
આ નામ સૌથી આગળ
આમ તો આ પદ માટે 3 નામ સામે આવી રહ્યા છે પરંતુ તેમા સૌથી વધુ સંભાવના આર્મી ચીફ જનરલ એમ એમ નરવણેના નામ પર સહમતિ બને તેવું લાગે છે. અનુમાન છે કે આગામી સીડીએસ તરીકે સરકાર ત્રણેય સેનાઓ એટલે કે આર્મી, નેવી અને એરફોર્સના ચીફના નામ પર ચર્ચા કરી શકે છે. આથી જનરલ નરવણે ઉપરાંત એરફોર્સ ચીફ માર્શલ વી. આર ચૌધરી, અને નેવી ચીફ એડમિરલ આર, હરિકુમાર પણ આ પદ માટેના ઉમેદવારોમાં સામેલ થઈ શકે છે.
અલવિદા CDS બિપિન રાવત: જાંબાઝ જનરલને દેશની ભાવભીની શ્રદ્ધાંજલિ, આજે 'અંતિમ સફર' પર નીકળશે વીર સપૂત
જલદી નિયુક્તિ કરવી પડશે
એક બાજુ પૂર્વ લદાખમાં ચીન સાથે સૈન્ય તણાવ ચાલુ છે ત્યારે બીજી બાજુ ભારત-પાકિસ્તાન સરહદ ઉપર પણ તણાવની સ્થિતિ છે. આવામાં સીડીએસના પદ પર જલદી નિયુક્તિ કરવી જરૂરી છે. આ માટે કેન્દ્ર સરકાર આ પદ માટે નિર્ધારિત કરાયેલા પેરામીટર્સના આધારે જલદી પ્રક્રિયા શરૂ કરશે. તેના માટે ત્રણેય સેનાઓની ભલામણના આધારે પેનલ બનાવવામાં આવશે અને જલદી નવા સીડીએસના નામની જાહેરાત કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે કુન્નૂર અકસ્માત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવાર સાંજે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
જનરલ રાવત આગામી સીડીએસની નિયુક્તિ માટે પૂરી પ્રક્રિયા શરૂ કરી ચૂક્યા હતા પરંતુ તેમના અકાળે નિધનથી આ કામ અધૂરું રહી ગયું. તેમનો કાર્યકાળ માર્ચ 2023માં પૂરો થઈ રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube