દેશમાં પ્રથમવાર ગરમીને લઈને પીએમ મોદીએ કરી હાઈલેવલ મીટિંગ, ભીષણ ગરમીના એંધાણ
દેશભરમાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ફેબ્રુઆરીના તાપમાને 120 વર્ષનો રેકોર્ડ તોડી દીધો હતો. આ વર્ષે ઉનાળામાં ભારે ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગરમીની આગાહીએ લોકોની સાથે સરકારને પણ ચિંતામાં મુકી દીધી છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અનેક રાજ્યોમાં આગામી ઉનાળાની ઋતુ અને ચોમાસાને લગતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. સોમવારે તેમના સત્તાવાર નિવાસસ્થાને પીએમ મોદીએ બેઠકમાં હાજર અધિકારીઓ પાસેથી આગામી સિઝનની તૈયારીઓ અંગે અપડેટ લીધી હતી. બેઠકમાં રવિ પાકોના ઉત્પાદન પર હવામાનની અસર અને આગામી સિઝનના મુખ્ય પાકોના અંદાજિત ઉપજ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પીએમ મોદીએ અધિકારીઓ પાસેથી તૈયારીઓની અપડેટ લીધી
વડાપ્રધાન કાર્યાલયથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં પીએમ મોદીને આગામી કેટલાક મહિનાઓ માટે હવામાનની આગાહી અને ચોમાસાની સંભાવના વિશે માહિતી આપવામાં આવી હતી. તેઓને રવિ પાક પર હવામાનની અસર અને મુખ્ય પાકોની અંદાજિત ઉપજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સિંચાઈના પાણી પુરવઠા, ઘાસચારો અને પીવાના પાણીની દેખરેખ રાખવાના ચાલુ પ્રયાસોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ સિવાય પીએમ મોદીને ઈમરજન્સીની સ્થિતિમાં હોસ્પિટલોની સજ્જતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ વડાપ્રધાનને ઉનાળાની ઋતુ દરમિયાન સંભવિત આપત્તિઓ અને ઘટનાઓની તૈયારી માટે ચાલી રહેલા પ્રયાસો વિશે પણ અપડેટ કર્યું હતું.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે બદલ્યો હાઈકોર્ટનો નિર્ણય : વૈવાહિક બળાત્કાર કેસમાં પતિ નિર્દોષ જાહેર
લોકોને જાગૃત કરવા અપીલ કરી હતી
પીએમ મોદીએ કહ્યું કે હવામાનને ધ્યાનમાં રાખીને દરેક જરૂરી તૈયારીઓ જેમ કે પ્રોફેશનલ ડોકટરો, નગરપાલિકા અને પંચાયત સત્તાવાળાઓ, ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમને અગાઉથી એલર્ટ કરી દેવી જોઈએ. અતિશય ગરમીની સ્થિતિનો સામનો કરવા માટે, શાળાઓમાં બાળકોને મલ્ટીમીડિયા લેક્ચરની મદદથી જાગૃત કરવા જોઈએ. વડાપ્રધાને કહ્યું કે ગરમ હવામાન માટે પ્રોટોકોલ તૈયાર કરવો જોઈએ. રેડિયો જિંગલ્સ, ટૂંકી ફિલ્મો અને પેમ્ફલેટની મદદથી લોકો સુધી શું કરવું અને શું નહીં કરવું જોઈએ.
હવામાનની આગાહી સરળ રીતે જાહેર કરો
આ સિવાય પીએમ મોદીએ IMDને રોજેરોજ હવામાનની આગાહી એવી રીતે જારી કરવાનો નિર્દેશ આપ્યો કે કોઈ પણ તેને સરળતાથી સમજી શકે. બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે ટીવી ચેનલ, રેડિયો જેવા માધ્યમો હવામાનની આગાહીને સરળ ભાષામાં સમજાવવા માટે થોડો સમય ફાળવી શકે છે જેથી લોકો તેનાથી બચવા માટે સાવચેતી રાખી શકે.
જંગલની આગને રોકવા માટે યોજના બનાવો
પ્રધાનમંત્રીએ તમામ હોસ્પિટલોના વિગતવાર ફાયર ઓડિટની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે તમામ હોસ્પિટલોમાં અગ્નિશામકો દ્વારા મોક ફાયર ડ્રીલ હાથ ધરવામાં આવે. જંગલમાં લાગેલી આગને પહોંચી વળવા માટે સંકલિત પ્રયાસોની જરૂરિયાત પણ જણાવવામાં આવી હતી. તે ચર્ચા કરવામાં આવી હતી કે જંગલી આગને રોકવા અને તેનો સામનો કરવાના પ્રયાસોને સમર્થન આપવા માટે પ્રણાલીગત ફેરફારો કરવા જોઈએ.
આ પણ વાંચોઃ મનિષ સિસોદિયા 20મી માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં, તિહાડ જેલમાં રહેશે
આ બેઠકમાં વડાપ્રધાનના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, આરોગ્ય સચિવ, કૃષિ સચિવ, પૃથ્વી વિજ્ઞાન સચિવ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના અધિકારીઓ હાજર હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube