નવી દિલ્હી: પૂર્વ લદાખમાં સ્થિતિ અંગે ચીનના વિદેશ મંત્રાલય દ્વારા કરાયેલી ટિપ્પણીનો ભારતના વિદેશ મંત્રાલયે જડબાતોડ જવાબ આપ્યો છે. હાલમાં જ ચીનના વિદેશ મંત્રાલયે પૂર્વ લદાખમાં તણાવની સ્થિતિ પાછળ ભારતને જવાબદાર ઠેરવ્યું હતું જો કે વિદેશ મંત્રાલયે ચીનના આવા નિવેદનોને ફગાવી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનનો વ્યવહાર ભડકાવનારો
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે ચીનનો ઉશ્કેરણીજનક વ્યવહાર, યથાસ્થિતિને એકતરફી રીતે બદલવાની કોશિશના પરિણામસ્વરૂપ પૂર્વ લદાખમાં એલએસી સંલગ્ન વિસ્તારોમાં શાંતિ ભંગ થઈ છે. ચીનના પાયાવિહોણા આરોપો પર વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીન હજુ પણ સરહદી વિસ્તારોમાં સતત સૈનિકો અને સૈન્ય સાધન સામગ્રીની તૈનાતી કરી રહ્યું છે. ચીનની ગતિવિધિઓની પ્રતિક્રિયામાં ભારતીય સશસ્ત્ર દળોએ યોગ્ય જવાબી તૈનાતી કરવી પડી છે. આશા છે કે ચીની પક્ષ પૂર્વ લદાખમાં એલએસી પાસે બાકી મુદ્દાઓના જલદી સમાધાનની દિશામાં કામ કરશે. 


ચીનના નિવેદનનો કોઈ આધાર નથી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું કે ચીનના આરોપોમાં 'કોઈ આધાર નથી' અને ભારત આશા કરે છે કે ચીની પક્ષ દ્વિપક્ષીય સમજૂતિ અને પ્રોટોકોલનું સંપૂર્ણ પણે પાલન કરશે. ચીને હાલમાં જ આરોપ લગાવ્યો કે બંને દેશો વચ્ચે તણાવનું મૂળ કારણ ભારત દ્વારા 'આગળ વધવાની નીતિ'નું અનુસરણ કરવું અને ચીન પર 'ગેરકાયદેસર રીતે અતિક્રમણ' કરવાનું છે. જેના જવાબમાં ભારતે આ પ્રતિક્રિયા આપી છે. ચીનના આરોપ પર બાગચીએ કહ્યું કે ભારત થોડા દિવસ પહેલા જ આ મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી ચૂક્યું છે અને આવા નિવેદનો ફગાવી ચૂક્યું છે. જેનો કોઈ આધાર જ નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ આ મહિનાની શરૂઆતમાં દુશાંબેમાં એક બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરના પોતાના ચીની સમકક્ષને આપેલા સંદેશનો પણ ઉલ્લેખ કર્યો. 


આ ઘટના બાદ વધ્યો તણાવ
પેંગોંગ લેક વિસ્તારમાં હિંસક ઘર્ષણ બાદ પૂર્વ લદાખમાં ગત વર્ષ 5 મેના રોજ ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે સરહદ પર ગતિરોધ શરૂ થઈ ગયો હતો. બંને પક્ષોએ ધીરે ધીરે હજારો સૈનિકોની સાથે સાથે ભારે હથિયારોની પણ તૈનાતી વધારી. સૈન્ય અને રાજનયિક વાર્તાની એક શ્રૃંખલાના પરિણામ સ્વરૂપે બંને પક્ષોએ ગત મહિને ગોગરા વિસ્તારમાં ડિસએન્ગેજમેન્ટ પ્રોસેસ પૂરી કરી. ફેબ્રુઆરીમાં બંને પક્ષોએ ડિસએન્ગેજમેન્ટ પર એક સમજૂતિ મુજબ પેંગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારેથી સૈનિકો અને હથિયારોની વાપસી પૂરી કરી. હાલ સંવેદનશીલ વિસ્તારમાં એલએસી પર બંને પક્ષોના લગભગ 50થી 60 હજાર સૈનિકો તૈનાત છે. 


(ઈનપુટ-ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube