નવી દિલ્લીઃ પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ચૂકના મામલે હાલ દેશભરમાં હોબાળો મચ્યો છે. આ ઘટનાએ સુરક્ષામાં છિંડાનું સૌથી મોટું ઉદાહરણ છે. આ ખુબ જ ગંભીર બાબત છે. PM Modi બાદ હવે ઉત્તરાખંડના પૂર્વ CM હરીશ રાવતની સુરક્ષામાં ચૂક, છરો લઈને મંચ મારવા પહોંચ્યો શખ્સ! આ ઘટનાને પગલે રાજનેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની સુરક્ષામાં ચૂકની એક ઘટના સામે આવી છે. કાશીપુરા ખાતે એક યુવક છરો લઈને રાવતના મંચ પર પહોંચી ગયો હતો અને ત્યાર બાદ કાર્યક્રમમાં અફરા તફરી મચી ગઈ હતી. એક તરફ પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ચૂકને લઈ દેશભરમાં હોબાળો મચેલો છે તેવા સમયે જ આ ઘટના પણ સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતે હરીશ રાવત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જનસભા બાદ એક આધેડ છરો લઈને મંચ પર ચઢી ગયો ત્યાર બાદ ભારે અફરા તફરી મચી ગઈ હતી. જોકે, કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ તેને નીચે ઉતારીને છરો પોતાના કબજામાં લઈને પોલીસના હવાલે કરી દીધો હતો.


પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત કોંગ્રેસના સદસ્યતા અભિયાનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તેઓ પોતાનું સંબોધન પૂરૂ કરીને નીચે ઉતર્યા તે સાથે જ એક આધેડ અચાનક જ મંચ પર પહોંચી ગયો હતો અને સંબોધન સ્થળે જઈને માઈકમાં જય શ્રી રામના નારા લગાવવા લાગ્યો હતો. કોંગ્રેસી કાર્યકરોએ તેની ગતિવિધિનો વિરોધ કર્યો અને માઈક બંધ કરી દીધું તો ગુસ્સે થઈને તેણે અચાનક જ છરો કાઢ્યો હતો અને જય શ્રી રામ ન બોલવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


ત્યાર બાદ મંચ પર અફરા તફરી મચી ગઈ હતી તથા કોંગ્રેસી નેતા પ્રભાસ સાહનીએ અન્ય કાર્યકરો સાથે મળીને તે વ્યક્તિને પકડીને છરો પોતાના કબજામાં લઈ લીધો હતો. ત્યાર બાદ કાર્યકરોએ તેને પોલીસના હવાલે કરી દીધો હતો. કોંગ્રેસે આ મામલે પ્રશાસનની મોટી ચૂક હોવાનો આક્ષેપ લગાવ્યો છે.