નવી દિલ્હી: ઈસરોના પૂર્વ ચીફ માધવન નાયર ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે શનિવારે કેરળના ત્રિવેન્દમમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપની સદસ્યતા લીધી. અત્રે જણાવવાનું કે માધવન ઈસરોના અંતરિક્ષ વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ સાથે જ તેઓ ત્યાંના સચિવ પદે પણ કાર્યરત હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળના તિરુવનંતપુરમમાં 31 ઓક્ટોબર 1943ના રોજ જન્મેલા માધવને વર્ષ 1966માં કેરળ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ તેમણે ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર, મુંબઈમાંથી તાલિમ લીધી. ઈસરોના અધ્યક્ષ  પદ પર તેઓ લગભગ 6 વર્ષ રહ્યાં. આ દરમિયાન તેમણે અનેક મિશનોને સફળતાપૂર્વક પૂરા કર્યાં. 



કેરળના તિરુવનંતપુરમમાં રહેતા માધવનને1998માં પદ્મ ભૂષણ અને 2009માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ઈસરોના અધ્યક્ષ પદને સંભાળતા પહેલા તેમણે અનેક ઉપલબ્ધિઓ મેળવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ઈસરોએ 25 મિશન સફળતાપૂર્વક પૂરા કર્યાં. 


તેમના કાર્યકાળ દરમિયાન જે મિશન હાથ ધરવામાં આવ્યાં તેમાં ટોર્સેટ-1, હેમસેટ-1, ઈન્સેટ-4એ, પીએસએલવી-સી5, જીએસએલવી-એએફ1થી લઈને પીએસએલવી-12, પીએસએલવી-સી14 અને ઓશનસેટ-2 જેવા અનેક મિશનો સામેલ છે.