પુત્રી શર્મિષ્ઠાની ચેતવણીને પણ પ્રણવદાએ ફગાવી, આજે RSSના કાર્યક્રમમાં સામેલ થશે
પ્રણવ મુખરજી આજે આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. તેઓ સંઘના શિક્ષા વર્ગને સંબોધિત કરશે. એવું કહેવાય છે કે આ દરમિયાન પ્રણવદા લગભગ 800 કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં સામેલ થવા માટે બુધવારે સાંજે નાગપુર પહોંચી ગયાં. ગત સાંજે લગભગ પાંચ વાગ્યે તેઓ નાગપુર એરપોર્ટ પર ઉતર્યા હતાં. એરપોર્ટ પર સંઘના કાર્યકર્તાઓએ પૂર્વ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું. પ્રણવ મુખરજી આજે આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. તેઓ સંઘના શિક્ષા વર્ગને સંબોધિત કરશે. એવું કહેવાય છે કે આ દરમિયાન પ્રણવદા લગભગ 800 કાર્યકર્તાઓને સંબોધિત કરશે. અત્રે જણાવવાનું કે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના આમંત્રણને પ્રણવ મુખરજી દ્વારા સ્વીકારાયા બાદ દેશના રાજકારણમાં તો જાણે ભૂકંપ સર્જાઈ ગયો છે. પિતા પ્રણબ મુખર્જીના આરએસએસ કાર્યક્રમમાં સામેલ થવાથી તેમની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી નાખુશ છે. તેમણે પ્રણબ મુખર્જીને શિખામણ આપી છે.
શર્મિષ્ઠાએ ટ્વીટ કરીને લખ્યું કે, આશા છે કે, આજની ઘટના બાદ પ્રણબ મુખર્જી તે વાતને માનશે કે ભાજપ કેટલી ગંદી રમત રમી શકે છે. ત્યાં સુધી કે આરએસએસ પણ તે વાત પર વિશ્વાસ નહીં કરે કે તમે તમારા ભાષણમાં તેના વિચારોનું સમર્થન કરશો. તેણે કહ્યું કે, ભાષણને ભૂલાવી દેવામાં આવશે, પરંતુ તસ્વીરો બની રહેશે અને તેને ખોટા નિવેદનોની સાથે પ્રસારિત કરવામાં આવશે.
કોંગ્રેસના અનેક નેતાઓએ પોતાના આ જૂના દિગ્ગજ નેતાના નિર્ણય પર તેમને પુર્નવિચાર કરવાનું પણ જણાવ્યું. સેક્યુલર વિચારધારા ધરાવતા કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે પ્રણવ મુખરજીના આ પ્રવાસથી આરએસએસના વિચારોની એક પ્રકારે સ્વીકાર્યતા વધશે.કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે પ્રણવદાએ હંમેશા આરએસએસ વિરુદ્ધ રાજનીતિ કરી છે. તેમના જવાથી આરએસએસની વિશ્વસનીયતા વધશે. સંઘ પ્રચારક ઈન્દ્રેશકુમારે કહ્યું કે પ્રણવ મુખરજીના આવવાથી નફરતો દૂર થશે. તેમણે કહ્યું કે પ્રણવ મુખરજી પાસેથી કોંગ્રેસે શાલીનતા શિખવી જોઈએ. તેઓ ભારતીય હોવાના નાતે સંઘના કાર્યક્રમમાં આવી રહ્યાં છે.
આ બાજુ કોંગ્રેસના નેતા સુશીલકુમાર શિંદેએ કહ્યું કે મને લાગે છે કે પ્રણવ મુખરજી સંઘના કાર્યક્રમમાં ધર્મનિરપેક્ષતાનો પક્ષ જ રજુ કરશે. એનસીપી નેતા માજિદ મેમણે કહ્યું કે બની શકે કે પ્રણવ દા સંઘને કઈંક સમજાવવાની કોશિશ કરે કે તમારા વિચારો દેશ માટે યોગ્ય નથી.
જો કે આ તસવીરનો એક પહેલુ એ પણ છે કે આરએસએસના કોઈ પણ કાર્યક્રમ, પ્રચારક, સ્વયંસેવકે હજુ સુધી આ મુદ્દે ખુલીને કોઈ વિરોધ કર્યો નથી. ત્યાંથી પણ અવાજ ઉઠી શકતો હતો કે દાયકાઓ સુધી કોંગ્રેસની રાજનીતિ કરનારા પ્રણવ મુખરજીને સંઘે પોતાના કોઈ કાર્યક્રમમાં કેમ ચીફ ગેસ્ટ બનાવ્યાં. તેનાથી ઉલટુ સંઘના અનેક દિગ્ગજોએ તેનું સમર્થન કરતા સાર્વજનિક રીતે લેખ લખ્યા છે. આ જ કડીમાં સંઘના સહકાર્યવાહ મનમોહન વૈદ્યે ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં એક લેખ લખીને તેનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો.
તેમણે લખ્યું કે ભારતીય અને અભારતીય (વિદેશી) ચિંતનના પરિપ્રેક્ષ્યમાં વિચારોના આ અંતરને સમજવાની જરૂર છે. તેમણે પોતાના લેખમાં લખ્યું કે પ્રણવ મુખરજી દાયકાઓ સુધી સાર્વજનિક જીવનમાં રહ્યાં. આ જ કારણે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી કરીને સામાજિક અને રાષ્ટ્રીય મહત્વના વિષયો પર તેમના વિચારો સમજવાની સ્વયંસેવકોને તક મળે. તેમને પણ સંઘનો સીધી રીતે અનુભવ મળશે. ભારતીય ચિંતનની ધારામાં આ પ્રકારના વિચારો અને દ્રષ્ટિકોણોના આદાનપ્રદાનનો સમાવેશ મળે છે. પરંતુ આમ છતાં વિચારોના પરસ્પર વિનિમયનો અલોકતાંત્રિક વિરોધ કેમ થઈ રહ્યો છે?