નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને વધી રહેલા એનપીએ મુદ્દે સંસદની એક સમિતીને મોકલેલા પોતાનાં જવાબમાં અગાઉની યુપીએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. સુત્રો અનુસાર રાજે પોતાનાં જવાબમાં કહ્યું કે, ગોટાળાઓ અને તપાસનાં કારણે સરકારની નિર્ણયો લેવાની ગતિ ધીમી થઇ જવાનાં કારણે એનપીએમાં વધારો થતો ગયો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, વરિષ્ઠ ભાજપ સાંસદ મુરલી મનોહર જોશીની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતીએ રાજનને પત્ર લખીને સમિતી સામે હાજર રહીને એનપીએ મુદ્દે માહિતી આપવા માટે અપીલ કરી હતી. જેનાં જવાબમાં રાજને કહ્યું કે, બેંકો દ્વારા મોટી લોન પર યથોચિત કાર્યવાહી નથી કરવામાં આવી અને 2006 બાદ વિકાસની ગતિ ધીમી પડી ગયા બાદ બેંકોની વૃદ્ધિની જે ગણત્રી હતી તે અવાસ્તવિક થઇ ગઇ હતી. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ મુખ્ય આર્થિક સલાહકાર (સીઇ) અરવિંદ સુબ્રમણ્યએ એનપીએ સંકટની ઓળખ કરવા અને તેનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરવા માટે સમિતીની સામે રાજનની પ્રશંસા કરી હતી. સુબ્રમણ્યમે સમિતિને જણાવ્યું કે,એનપીએની સમસ્યાને યોગ્ય રીતે ઓળખનો શ્રેય પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને જાય છે અને તેમનાથી સારૂ કોઇ નથી જાણતું કે આખરે દેશમાં એનપીએની સમસ્યા આટલી ગંભીર કઇ રીતે થઇ ગઇ. તે ઉપરાંત સુબ્રમણ્યમે દાવો કર્યો હતો કે પોતાનાં કાર્યકાળ દરમિયાન રાજને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટેની મહત્વની પહેલ કરી હતી.