Energy crisis: દેશ પર તોળાઈ રહ્યું છે આ મોટું સંકટ, 4 દિવસ બાદ અનેક ઠેકાણે છવાઈ શકે છે અંધારપટ
ઉર્જા મંત્રાલયના જણાવ્યાં મુજબ તેની પાછળનું એક મોટું કારણ ઉત્પાદન અને તેની આયાતમાં આવી રહેલી સમસ્યા છે.
નવી દિલ્હી: આગામી થોડા દિવસમાં તમારું ઘર પણ પાવર કટની ઝપેટમાં આવી શકે છે. કારણ કે દેશમાં કોલસાની અછતનું સંકટ તોળાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દેશમાં ફક્ત 4 દિવસ ચાલે એટલો જ કોલસો બચ્યો છે. ભારતમાં વીજળી ઉત્પાદન માટે સૌથી વધુ કોલસાનો ઉપયોગ થાય છે અને ઉર્જા મંત્રાલયના જણાવ્યાં મુજબ કોલસા પર આધારીત વીજળી ઉત્પાદન કેન્દ્રોમાં કોલસાનો સ્ટોક ખુબ ઓછો થઈ ગયો છે.
દેશમાં 70 ટકા વીજળી ઉત્પાદન કેન્દ્ર કોલસા આધારિત છે. કુલ 135 થર્મલ પાવર પ્લાન્ટ્સમાં 72ની પાસે કોલસાનો 3 દિવસથી પણ ઓછો સ્ટોક છે. જ્યારે 50 પ્લાન્ટ એવા છે જ્યાં કોલસાનો 4થી લઈને 10 દિવસ સુધીનો સ્ટોક બચ્યો છે. 13 પ્લાન્ટ્સ એવા છે જ્યાં 10 દિવસથી વધુ કોલસાનો જથ્થો બચ્યો છે.
ઉર્જા મંત્રાલયના જણાવ્યાં મુજબ તેની પાછળનું એક મોટું કારણ ઉત્પાદન અને તેની આયાતમાં આવી રહેલી સમસ્યા છે. ચોમાસાના કારણે કોલસાના ઉત્પાદનમાં કમી આવી છે. તેના ભાવ વધ્યા છે અને ટ્રાન્સપોર્ટેશનમાં ઘણી અડચણો આવી છે. આ એવી સમસ્યા છે જેના કારણે આવનારા સમયમાં દેશની અંદર વીજળી સંકટ પેદા થઈ શકે છે.
કોલસા સંકટ પાછળ કોરોનાકાળ પણ એક મોટું કારણ
ઉર્જા મંત્રાલયે જણાવ્યું છે કે વીજળી સંકટ પાછળ એક કારણ કોરોનાકાળ પણ છે. હકીકતમાં આ દરમિયાન વીજળીનો ખુબ વધુ ઉપયોગ થયો છે અને હજુ પણ પહેલાની સરખામણીએ વીજળીની માગણી ખુબ વધી છે. ઉર્જા મંત્રાલયના આંકડા મુજ 2019માં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વીજળીનો કુલ વપરાશ 10 હજાર 660 કરોડ યુનિટ પ્રતિ માસ હતો. આ આંકડો 2021માં વધીને 12 હજાર 420 કરોડ યુનિટ પ્રતિ માસ પર પહોંચી ગયો છે.
વીજળીની આ જરૂરિયાત પૂરી કરવા માટે કોલસાનો વપરાશ વધ્યો. 2021ના ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં કોલસાનો વપરાશ 2019ની સરખામણીએ 18 ટકા સુધી વધ્યો છે. ભારત પાસે 300 અબજ ટનનો કોલસા ભંડાર છે. પરંતુ આમ છતાં મોટી માત્રામાં કોલસાની આયાત ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોથી કરે છે. જો ઈન્ડોનેશિયાની વાત કરીએ તો માર્ચ 2021માં કોલસાની કિંમત 60 ડોલર પ્રતિ ટન હતી જે હવે વધીને 200 ડોલર પ્રતિ ટન થઈ છે. આ કારણે કોલસાની આયાત ઓછી થઈ છે. એવા અનેક કારણ છે જેનાથી થર્મલ પાવર પ્લાન્ટ્સની વીજળી જરૂરિયાતો પૂરી કરવા માટે કોલસો પહોંચી શક્તો નથી. આ કારણસર કોલસાનો ભંડાર સમયાંતરે ઓછો થતો ગયો. હવે હાલત એવી છે કે 4 દિવસ બાદ દેશના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube