જમ્મુ કાશ્મીરમાં સરકાર પડ્યાના 24 કલાકમાં રાજ્યપાલ શાસન લાગુ, બન્યો એક રેકોર્ડ
જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) અને ભાજપની ગઠબંધન સરકાર તૂટી પડ્યાને હજુ 24 કલાક પણ થયા નથી ત્યાં રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થઈ ગયું છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) અને ભાજપની ગઠબંધન સરકાર તૂટી પડ્યાને હજુ 24 કલાક પણ થયા નથી ત્યાં રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થઈ ગયું છે. કેન્દ્રીય કેબિનેટની ભલામણ પર બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહોર મારી દેતા હવે રાજ્યમાં રાજ્યપાલ શાસનને મંજૂરી અપાઈ ગઈ છે. ઘાટીમાં આ પહેલીવાર બન્યું છે કે એનએન વોહરાના કાર્યકાળમાં ચોથીવાર રાજ્યપાલ શાસન લાગુ થયું છે, જે પોતાનામાં એક રેકોર્ડ હશે.
આ સાથે જ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આગામી છ મહિના માટે રાજ્યપાલ શાસન લાગુ થઈ ગયું છે. આ દરમિયાન રાજ્યપાલ એનએન વોહરાનો કાર્યકાળ 25 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોઈ નવા ચહેરાને જવાબદારી આપવાની જગ્યાએ તેમને જ આગળનો કાર્યકાળ સોંપવામાં આવી શકે છે. આ અગાઉ મંગળવારે બપોરે સવા બે વાગ્યાની આસરપાસ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે પીડીપી સાથે ગઠબંધન તોડ્યાની જાહેરાત કરી હતી.
ભાજપના મહાસચિવ રામ માધવે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને જમ્મુ અને કાશ્મીર ભાજપના નેતાઓ સાથે બેઠક કર્યા બાદ જાહેરાત કરી હતી. રામ માધવે કહ્યું હતું કે મહેબુબા મુફ્તી રાજ્યના હાલાત સંભાળવામાં નિષ્ફળ ગયા અને દેશહિતમાં ભાજપે સરકારથી અલગ થવાનો ફેસલો લીધો છે.
રામ માધવ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને જમ્મુ ભાજપના બીજા નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમર્થન વાપસીના ફેસલાનો દોષ મહેબુબા મુફ્તી પર ઢોળ્યો હતો. ભાજપના નેતાઓએ મહેબુબા પર આતંકવાદ રોકવામાં અસફળ થયાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે કહ્યું કે તેમના તરફથી રાજ્યમાં ત્રણ ક્ષેત્રના વિકાસ માટે કોશિશ કરાઈ. જમ્મુ, લદાખ અને કાશ્મીર ક્ષેત્રના સમાન વિકાસ માટે કેન્દ્રએ સંપૂર્ણ સહયોગ આપ્યો પણ રાજ્ય સરકાર દ્વારા જમ્મુ અને લદ્દાખ સાથે ભેદભાવ કરાયો. ભાજપે સમર્થન પાછું ખેંચ્યા બાદ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પણ રાજીનામું આપી દીધુ. આ સાથે જ તેમણે કહ્યું કે પીડીપી કોઈની સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવા માંગતી નથી. શ્રીનગરમાં પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાત રજુ કરી હતી.
તેમણે કહ્યું કે મુફ્તી સાહેબે મોટા વિઝન સાથે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. તેમણે કહ્યું કે હું ભાજપના આ ફેસલાથી જરાય અચંબિત નથી. અમે પાવર માટે ગઠબંધન કર્યું નહતું. આ ગઠબંધનના અનેક મોટા હેતુ હતાં. સીઝફાયર, પીએમનો પાકિસ્તાન પ્રવાસ, 11 હજાર યુવાઓ સામેથી કેસ પાછા ખેંચાયા.આ સાથે મહેબુબા મુફ્તીએ એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કડકાઈ કે બળપ્રયોગ ચાલશે નહીં. એ સમજવું પડશે કે જમ્મુ કાશ્મીર દુશ્મનોનો ભાગ નથી. અમે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને સાથે રાખવાની કોશિશ કરી.
એન એન વોહરાના કાર્યકાળમાં ક્યારે ક્યારે લાગ્યું રાજ્યપાલ શાસન
25 જૂન 2008ના રોજ એનએન વોહરા પહેલીવાર રાજ્યના રાજ્યપાલ બન્યાં હતાં. વોહરાના કાર્યકાળમાં પહેલીવાર જમ્મુ અને કાશ્મીરમાં પાંચમીવાર રાજ્યપાલ શાસન આ વર્ષે લાગ્યું હતું. 2008માં રાજ્યમાં કોંગ્રેસ અને પીડીપીની સરકાર હતી. પરંતુ અમરનાથ મુદ્દે વાત ન બનાવાના કારણે કોંગ્રેસે સમર્થન પાછુ લીધુ અને ગુલામ નબી આઝાદની સત્તા અલ્પમતમાં આવી ગઈ. 7 જુલાઈ 2008નાૈ રોજ વિધાનસભામાં વિશ્વાસમત પહેલા જ આઝાદે રાજીનામું આપી દીધુ હતું. જુલાઈમાં સરકાર પડ્યા બાદ જાન્યુઆરી 2009 સુધી ઘાટીમાં રાજ્યપાલ શાસન રહ્યું હતું. ચૂંટણી બાદ ઉમર અબ્દુલ્લાની સરકાર બની હતી.
23 ડિસેમ્બર 2014ના રોજ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા. ત્યારબાદ કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત નહતું મળ્યું. જો કે ઉમર અબ્દુલ્લા કાર્યવાહક મુખ્યમંત્રી બન્યા હતાં. 7 જાન્યુઆરી સુધી કાર્યવાહક મુખ્યમંત્રી રહ્યાં બાદ રાજ્યમાં વોહરાના કાર્યકાળ દરમિયાન જ રાજ્યાપાલ શાસન લાગ્યું હતું.
3 મહિના સુધી રાજ્યપાલ શાસન રહ્યાં બાદ ઘાટીમાં એક માર્ચ 2015ના રોજ મુફ્તી મોહમ્મદ સઈદના નેતૃત્વમાં ભાજપ અને પીડીપીએ ગઠબંનધ સરકાર બની. જો કે 7 જાન્યુઆરી 2016ના રોજ સઈદના નિધનના કારણે સરકાર પડી અને 9 જાન્યુઆરી 2016ના રોજ રાજ્યપાલ એનએન વોહરાના જ સમયમાં ત્રીજીવાર અને રાજ્યમાં સાતમી વાર રાજ્યપાલ શાસન લાગુ થયું.
3 મહિના બાદ એકવાર ફરીથી રાજ્યમાં 2016માં 4 એપ્રિલના રોજ પીડીપી અને ભાજપે ગઠબંધન સરકાર બનાવી અને મહેબુબા મુફ્તીએ સીએમ પદના શપથ લીધા. કહેવાય છે કે આ સરકાર બન્યા બાદ ઘાટીમાં હાલાત વધુ તણાવપૂર્ણ થયાં. આ જ મુદ્દે ભાજપે સમર્થન પાછુ ખેંચ્યું અને સરકાર પડી. રાજ્યપાલ શાસન લાગુ થયું. આમ આ ચોથીવાર વોહરાના કાર્યકાળમાં રાજ્યપાલ શાસન લાગ્યું. અત્યાર સુધી આવું કોઈ અન્ય રાજ્યમાં થયું નથી.