આજથી વાહનોની વીમા પોલિસી બદલાશે, ટુ વ્હીલરનો 5 તો ફોર વ્હીલર માટે 3 વર્ષનો વીમો ફરજિયાત
1લી સપ્ટેમ્બર,2018થી નવો નિયમ અમલમાં, વીમા નિયમન કંપની ઇરડાએ લીધો નિર્ણય, વીમાની સમયમર્યાદા વધતાં વધશે વીમાની રકમ, નવા નિયમથી દર વર્ષે રિન્યૂ કરાવાથી મળશે મુક્તિ
નવી દિલ્હીઃ આજથી એટલે કે 1 સપ્ટેમ્બર, 2018થી કાર, સ્કુટર અને મોટર સાઈકલ ખરીદવાનું મોંઘુ થઈ શકે છે. કારણ કે, વીમા નિયામક કંપની ઈરડાએ વાહનોના વિમાના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમ મુજબ હવે ફોર વ્હીલર માટે 3 વર્ષ, ટૂ-વ્હીલર માટે 5 વર્ષનો વિમો ફરજિયાતપણે ખરીદવાનો રહેશે.
અત્યાર સુધીમાં વાહનોનો વીમો એક વર્ષનો રહેતો હતો અને ગ્રાહકોએ દર વર્ષે વીમો રિન્યૂ કરાવવો પડતો હતો. નવા વાહનો પર લાંબા સમયની મર્યાદાનો વીમો લેવાના કારણે પ્રીમિયમ તરીકે આવનારી રકમ વધી જશે, પરંતુ દર વર્ષ વીમો રિન્યૂ કરાવવાની ઝંઝટમાંથી મુકિત મળશે
ગ્રાહકનો બોજો વધી જશે
વિમાના કવરેજની સમયમર્યાદા વધી જતાં વિમાના પ્રિમિયમની રકમમાં પણ વધારો થશે. જેની સાથે ગ્રાહકના માથે નવું વાહન ખરીદતાં સમયે બોજો પણ વધી જશે. કેમ કે, અગાઉ વાહન ખરીદતાં સમયે એક વર્ષનું જ પ્રિમિયમ ભરવાનું રહેતું હતું, હવે તેને વાહન પ્રમાણે પ્રિમિયમ ભરવાનું રહેશે. જેના કારણે ગ્રાહકને વાહન મોંઘું પડશે.