રાજન મોદી, અમદાવાદઃ દૂંદાળા દેવની દેશભરમાં પૂજા અર્ચના થઈ રહી છે, ભકતો અલગ અલગ રીતે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી તેમને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરેક શુભકાર્યની શરૂઆત કરતા પહેલા વિઘ્નહર્તાને યાદ કરવામાં આવે છે. ત્યારે કેવો છે ગણેશજીનો પરિવાર?, કોણ છે તેમના પરિવારના સભ્યો?, જોઈએ આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવો છે ગણેશજીનો પરિવાર?
માતા પાર્વતીને ગણેશ અને કાર્તિકેય નામના બે પુત્રો અને લક્ષ્મી અને સરસ્વતી બે પુત્રીઓ એમ ચાર સંતાનો છે. માતા પાર્વતીને દુર્ગા પણ કહેવાય છે અને તેઓ પૃથ્વી છે. જેને માણસને સમૃદ્ધિ અને લક્ષ્મી આપવા ખેડવી પડી. ખેડાયેલી પૃથ્વીની રક્ષા માટે કાર્તિકેયની જરુર પડી. તેને ખેડવાનું જ્ઞાન સરસ્વતીમાંથી આવે છે અને ગણેશ જે સમૃદ્ધિ ઉત્પન્ન થઈ તેનો હિસાબ રાખે છે. ગણેશની જેમ કાર્તિકેય પણ તેમની માતાના શરીરની બહાર જુદી રીતે જનમ્યા હતા. કાર્તિકેયને શક્તિ ગર્ભ તરીકે ધારણ કરે એમ દેવો ઇચ્છતા નહોતા એટલે તેમણે શિવ અને પાર્વતીની પ્રણય ક્રિડામાં વિક્ષેપ પાડ્યો. જેથી શિવનું વિર્ય સ્ખલન બહાર જ થયું. તેને ભગવાન અગ્નિ, વાયુ, ગંગા, જંગલના અધિપતિ સરવણ અને છ તારાઓના સમુહ કૃત્રિકા નક્ષત્ર દ્વારા પોષવામાં આવ્યું. શક્તિ દ્વારા ગણેશના સર્જનની પ્રક્રિયા શિવે પુરી કરી જ્યારે શિવ દ્વારા કાર્તિકેયના સર્જનની પ્રક્રિયા શક્તિએ પુરી કરી. ગણેશ સમૃદ્ધિ બક્ષે છે જ્યારે કાર્તિકેય રક્ષણ કરે છે. 

ઉમાએ ચોકીદારી માટે છોડમાંથી એક છોકરાનું સર્જન કર્યું-
તામિલનાડુની ગણેશ કથા ટુંકમાં જાઈએ તો, તળાવમાં નહાવા ઇચ્છતા ઉમાએ ચોકીદારી માટે છોડમાંથી એક છોકરાનું સર્જન કર્યું. શિવજીએ માન્યુ કે છોકરો ઉમાને પજવવા માંગે છે એટલે તેમણે તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું. ઉમાએ રડતા હકીકત કહી અને કહ્યુ કે, જો તમે આ બાળકને સજીવન કરશો તો હું તમને સાત બાળકો આપીશ જે તમારા પુત્રો હશે. શિવજીએ હાથીનું મસ્તક લગાડીને બાળકને સજીવન કર્યો જે વિનાયક તરીકે જાણીતો થયો. પછી ઉમાએ સાત બાળકો ઉત્પન્ન કર્યા. શિવજીએ તેમને ગળે લગાડ્યા પણ છને જ ગળે લગાડી શક્યા. સાતમું બાળક ભાગી ગયું. છ બાળકો એક બની ગયા. જે યુદ્ધમાં ભગવાન મુરુગા બન્યા જેમને છ માથા છે. આમ શિવ અને ઉમાને બે પુત્રો થયા વિનાયક અને મુરુગા.   
 
આ રીતે શિવજીના પત્નીએ કર્યું પુત્રનું સર્જન-
તિબેટના સાહિત્યમાં વારાહી વિશે એક વાર્તા છે. તેમાં શિવજીના પત્નીએ કઈ રીતે પુત્રનું સર્જન કર્યુ તેની કથા છે. ઇર્ષાથી શિવજીની બીજી પત્ની ઉમાના બાળકનું માથું કાપી નાખે છે અને પછી શિવજી હાથીના માથાથી તેને સજીવન કરે છે. પદ્મપુરાણ પ્રમાણે, પાર્વતી દેવી હળદરની પીઠી તેમના શરીર પરથી કાઢીને તેમાંથી એક ઢીંગલાનું સર્જન કરે છે અને તેને ગંગામાં પધરાવે છે જેમાંથી બાળક સજીવન થાય છે. બધા ભગવાનને લાગે છે કે બાળક ગંગાનું છે પણ પાર્વતી તેને પોતાનું ગણાવે છે. જયદ્રથના હરિચરિત્ર ચિન્તામણી પ્રમાણે, શક્તિ સ્નાન કરતા હતા ત્યારે હાથીના માથાવાળી તેની ચોકીદારે તે પાણી પીધુ અને ગર્ભવતી બન્યા. તેમણે પાંચ માથાવાળા હાથીના બાળકને જન્મ આપ્યો. શિવે તેમના ચાર માથા કાપી નાખ્યા અને શક્તિએ તેને પુત્ર તરીકે સ્વીકારી લીધો. આમ ગણેશ દ્વિમાતા કેમ ઓળખાય છે તે સમજાય છે.  


ગણેશના વિવેક દર્શન કરાવતી ઘણી કથાઓ છે. પ્રસિદ્ધ કથા પ્રમાણે, નારદે શિવજીના બંને પુત્ર ગણેશ અને કાર્તિકને ઝડપથી પૃથ્વીની ત્રણ પરિક્રમા કરી આવવા કહ્યું અને જે પહેલી પરિક્રમા પુરી કરે તેને કેરી આપવાનું વચન આપ્યું. કાર્તિકેય ત્રીજી પરિક્રમા પુરી કરવામાં હતા ત્યારે ગણેશે તેમના માતા-પિતાની પરિક્રમા કરી અને જાહેર કર્યુ કે તેઓ જીતી ગયા છે. કેવી રીતે એમ કાર્તિકેયે પૂછ્યું ત્યારે ગણેશે કહ્યું કે તમે બાહ્ય દુનિયાની પરિક્રમા કરી મેં મારી દુનિયાની પરિક્રમા કરી. નારદે ગણેશને કેરી આપી. અસંમત કાર્તિકેય દક્ષિણમાં ચાલ્યા ગયા. તામિલનાડુમાં કાર્તિકેય મુરુગા તરીકે પ્રખ્યાત છે. મુરુગાના વલ્લી સાથેના વિવાહમાં પણ ગણેશ કારણ બને છે. મુરુગા ભિલ કન્યા વલ્લીના પ્રેમમાં પડ્યા. પણ વલ્લીએ લાખ પ્રયત્નો છતા ધ્યાન ન આપ્યું. મુરુગાએ ગણેશને સમર્યા. ગણેશ જંગલી હાથીનું રુપ લઈને ખેતરમાં ઘુસી ગયા. વલ્લી ડરી ગઈ અને મુરુગાએ વલ્લીનું રક્ષણ કર્યું અને પાણિગ્રહણ કર્યું.


ગણેશ પરિણિત છે કે અપરિણિત?
ગણેશ પરિણિત છે કે અપરિણિત એ અંગે શાસ્ત્રોમાં અલગ અલગ મત છે. દક્ષિણમાં ગણેશ વિદ્વાન બાળક છે અને તેમને યોગ્ય કોઈ સાથી ન હોવાથી તે બ્રહ્મચારી રહે છે. જ્યારે ઉત્તર ભારતમાં ગણેશને બ્રહ્માની બે પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પત્ની છે એમ માનવામાં આવે છે. તાંત્રિક પંથમાં ઘણીવાર તેમને સાથી સાથીદાર સાથે દર્શાવાયા છે. શુભ અને લાભ ગણેશના બે સંતાનો ગણાવવામાં આવે છે. જાકે તેમની બંને પત્નની જેમ બંને બાળકો વિશે પણ કોઈ વિશેષ માહિતી મળતી નથી. બંગાળની માન્યતા પ્રમાણે, હાથીના માથાના કારણે ગણેશ સાથે કોઈ પરણવા તૈયાર નહોતું ત્યારે માતા દુર્ગાએ એક કેળના છોડને સાડી પહેરાવીને ગણેશના લગ્ન કરાવ્યા. તેથી દુર્ગા પૂજા વખતે કેળના છોડને સાડી પહેરાવીને ગણેશની બાજુમાં મુકવામાં આવે છે. તેને “કોલા બહુ” કહેવામાં આવે છે. દશેરાના દિવસે દુર્ગાની નવ ઔષધિથી પૂજા થાય છે એમાની આઠને કેળના છોડ સાથે બાંધવામાં આવે છે.