નવી દિલ્હી : ગંગા એક્ટની માંગ મુદ્દે 111 દિવસથી ઉપવાસ પર બેઠેલા પર્યાવરણવિદ પ્રોફેસર જીડી અગ્રવાલ ઉર્ષ જ્ઞાનસ્વરૂપ સાણંદનું 86 વર્ષનાં આયુષ્યમાં નિધન થઇ ગયું. પ્રો. અગ્રવાલે મંગળવારે જળનો પણ ત્યાગ કર્યો હતો, ત્યાર બાદ તંત્ર દ્વારા તેમને પરાણે ઉઠાવીને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, પ્રોફેસર જીડી અગ્રવાર અવિરલ ગંગાનાં પક્ષધાર હતા અને ગંગાને બંધોથી મુક્ત કરવા માટે ઘણી વખત આંદોલન કરી ચુક્યા હતા. મનમોહન સરકાર દરમિયાન 2010માં તેમનાં ઉપવાસના પરિણામ સ્વરૂપ ગંગાની મુખ્ય સહયોગી નદી ભગીરથી પર બનેલી રહેલા લોહારી નાગપાલા, ભૈરવઘાટી અને પાલા મનેરી બંધના પ્રોજેક્ટ અટકાવી દીધા હતા, જેને મોદી સરકાર આવ્યા બાદ ફરીથી ચાલુ કરી દીધી. સરકારે આ બંધના પ્રોજેક્ટ અટકાવવા અને ગંગા એક્ટ લાગુ કરવાની માંગણી મુદ્દે પ્રોફેસર અગ્રવાલ 22 જુનથી ઉપવાસ પર હતા. 

પ્રોફેસર જીડી અગ્રવાલનાં ઉપવાસ બંધ કરાવવા મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ઉમા ભારતીય તેમને મળવા માટે ગયા હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની વાત પણ થઇ હતી. જો કે પ્રોફેસર અગ્રવાલે ગંગા એક્ટ લાગુ થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની વાત કરી હતી. મંગળવારે તેમણે જળનો પણ ત્યાગ કરી દીધો હતો. ત્યાર બાદ તંત્ર દ્વારા તેમને પરાણે ઉઠાવીને બુધવારે ઋષીકેશની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

પ્રખ્યાત પર્યાવરણવિદ જીડી અગ્રવાલ આઇઆઇટી કાનપુરનાં સેવાનિવૃત પ્રોફેસર હતા. જેમણે સેવાનિવૃત થયા બાદ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનાં પ્રતિનિધિ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પાસેથી દિક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા લીધા બાદ તેમણે જ્ઞાનસ્વરૂપ નામ ધારણ કર્યું હતું. જી.ડી અગ્રવાલે સ્વામી અવિમુક્તેશ્વારનંદને અંતિમ ઇચ્છા સ્વરૂપે જણાવ્યુ હતું કે મરણોપરાંત તેમનાં શરીરને વારાણસીનાં કાશી હિંદુ યુનિવર્સિટીને સોંપવામાં આવે.