ગાંધીજીના આદર્શો પર આયોજિત પરીક્ષામાં `આ` ગેંગસ્ટર બન્યો ટોપર
હત્યાના મામલે ઉમરકેદની સજા કાપી રહેલા ગેંગસ્ટર અરુણ ગવળીએ મહાત્મા ગાંધીના આદર્શો પર આયોજિત પરીક્ષામાં બધાને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.
અમિત કોટેચા, નવી દિલ્હી: હત્યાના મામલે ઉમરકેદની સજા કાપી રહેલા ગેંગસ્ટર અરુણ ગવળીએ મહાત્મા ગાંધીના આદર્શો પર આયોજિત પરીક્ષામાં બધાને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. નાગરપુર કેન્દ્રીય જેલમાં કેદ ગવળીએ પરીક્ષામાં 80માંથી 74 માર્ક મેળવ્યાં. બિન સરકારી સંગઠનો-સહયોગ ટ્રસ્ટ, સર્વોદય આશ્રમ અને મુંબઈ સર્વોદય મંડળ દ્વારા ગત વર્ષ ઓક્ટોબરમાં આયોજિત પરીક્ષામાં લગભગ 160 કેદીઓ સામેલ થયા હતાં. સહયોગ ટ્રસ્ટના ન્યાસી રવિન્દ્ર ભુસારીએ જણાવ્યું કે પરીક્ષાનું પરિણામ ગત સપ્તાહે જાહેર કરવામાં આવ્યું હતું.
પુરસ્કાર સ્વરૂપે પ્રમાણપત્ર અને ખાદીના વસ્ત્ર
ભુસારીએ કહ્યું કે પરીક્ષામાં બેસવું એ જરૂરી નથી. કેદીઓ પોતાની મરજીથી પરીક્ષા આપે છે. પરીક્ષામાં કેદીઓને 80 સવાલોના વસ્તુનિષ્ઠ જવાબો આપવાના હોય છે. પાસ થવાનારાને પુરસ્કાર સ્વરૂપે પ્રમાણપત્ર અને ખાદીના વસ્ત્ર આપવામાં આવે છે. તેમણે કહ્યું કે પરીક્ષા અગાઉ જેલમાં ગાંધીજીના પુસ્તકો સંબંધિત પાઠ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પરીક્ષામાં દોષી, વિચારાધીન, અને સજા કાપી રહેલા કેદીઓ સામેલ થયા હતાં. ગવળી વર્ષ 2007માં શિવસેનાના ધારાસભ્ય કમલાકર જામસંદેકરની હત્યાના મામલે નાગપુર કેન્દ્રીય જેલમાં ઉમરકેદની સજા કાપી રહ્યો છે.
ગવળીને વર્ષ 2012માં 11 લોકો સહિત દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અપરાધિક મામલાઓની લાંબી સૂચિ ધરાવતા ગવળી પહેલીવાર દોષિત જાહેર થયો હતો. મુંબઈના દગડી ચાલ વિસ્તારમાં 'ડેડી'ના નામથી પ્રખ્યાત ગવળી ત્યારબાદ રાજકારણના મેદાનમાં ઉતર્યો હતો અને તેણે અખિલ ભારતીય સેનાના નામથી પોતાની પાર્ટી બનાવી હતી.