દિગ્ગજ ઉદ્યોગપતિ અને બિઝનેસ ટાઈકૂન ગૌતમ અદાણી ફરી એકવાર ચર્ચામાં છે. તેમના પર આરોપ છે કે તેમણે ભારતમાં સોલર એનર્જી પ્રોજેક્ટ્સનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને કરોડોની લાંચ ઓફર કરી. ત્યારબાદ અદાણી ગ્રુપે આ પ્રોજેક્ટ્સ માટે અમેરિકી રોકાણકારો પાસેથી ફંડ ભેગુ કર્યું. એવો પણ આરોપ છે કે અદાણી સમૂહે રોકાણકારોને લાંચ અને ભ્રષ્ટાચાર અંગે જાણકારી આપી નહીં. આ પ્રોજેક્ટ્સથી સમૂહને 20 વર્ષોમાં લગભગ $2 બિલિયન નફો થવાનું અનુમાન હતું. અદાણી પર અમેરિકામાં ફ્રોડ અને લાંચના આરોપ સામે આવ્યા બાદ કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા જેના પર ભાજપના સાંસદ સંબિત પાત્રાએ જવાબ આપ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું સંબિત પાત્રાએ?
ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે, "આજ સવારથી આપણે મીડિયામાં એકકંપની સંલગ્ન મુદ્દો જોઈ રહ્યા છીએ. તે કંપની વિરુદ્ધ અમેરિકામાં એક કેસ છે. આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. અમારું સ્પષ્ટપણે માનવું છે કે જ્યાં સુધી કંપની અને તેના વિરુદ્ધ કેસનો સવાલ છે, કંપની પોતે જ નિવેદન બહાર પાડીને પોતાનો બચાવ કરશે. કાનૂન પોતાનું કામ કરશે." ભારતીય જનતા પાર્ટીએ ગૌતમ અદાણી મુદ્દે રાહુલ ગાંધી તરફથી લગાવવામાં આવેલા આરોપો પર પોતાનો જવાબ આપ્યો. 



રાહુલ ગાંધીની આદત છે પીએમ મોદીની છબી બગાડવાની
પાત્રાએ કહ્યું કે, ભારત અને દશ માટે કામ કરતી સંસ્થાઓ પર હુમલો કરવો એ રાહુલ ગાંધીની સામાન્ય રણનીતિ છે. તેમણે રાફેલ મુદ્દો પણ આ રીતે ઉઠાવ્યો હતો. રાહુલ ભલે પ્રધાનમંત્રી મોદીની છબી ખરાબ કરવાની કોશિશ કરે પરંતુ તેમની વિશ્વસનીયતા એટલી વધુ છે કે હાલમાં જ વિદેશમાં તેમને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરાયા છે. 


શું કહ્યું ભાજપે?
ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે અદાણી સમૂહ વિરુદ્ધ અમેરિકાના આરોપોમાં જે ચાર રાજ્યોનો ઉલ્લેખ કરાયો છે તેમાંથી કોઈ પણ રાજ્યમાં તે વખતે ભાજપના મુખ્યમંત્રી નહતા. તે વખતે કોંગ્રેસ કે તેમના સહયોગીઓની સરકાર હતી. તમિલનાડુની વાત હોય કે આંધ્ર પ્રદેશની, ઓડિશા કે છત્તીસગઢની. દરેક જ્ગ્યાએ કોંગ્રેસની સરકાર હતી. 


સંબિત પાત્રાએ  કહ્યું કે ભૂપેશ બઘેલ ત્યારે છત્તીસગઢના સીએમ હતા ત્યારે અદાણીએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. અશોક ગહેલોતની સરકાર વખતે પણ અદાણીએ રોકાણ કર્યું હતું. કર્ણાટકની સરકારે અદાણીને પોતાના રાજ્યમાં રોકાણ કેમ કરવા દીધુ. તેમણે એવો પણ સવાલ કર્યો કે શું રાહુલ ગાંધી અને બઘેલ અલગ છે?


શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
આ અગાઉ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અદાણીએ 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું અને તેમની ધરપકડ થવી જોઈએ. પરંતુ દેશના પીએમ નરેન્દ્ર મોદી અદાણીને બચાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીમ મોદી ગૌતમ અદાણીને સપોર્ટ કરે છે. કૌભાંડ  છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ રહી નથી કે થશે નહીં. 



શું લાગ્યા છે આરોપ? 
અમેરિકી અભિયોજકોએ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી તથા અન્ય લોકો પર સોલર એનર્જીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે 2020થી 2024 વચ્ચે ભારતીય સરકારી અધિકારીઓને 25 કરોડ ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે. એક અનુમાન મુજબ આ સમૂહને સંભવિત બે અબજ ડોલરથી વધુનો લાભ થઈ શકે છે. અમેરિકી અભિયોજકોએ આરોપ લગાવ્યો કે આ બધુ અમેરિકી બેંકો અને રોકાણકારોથી છૂપાવવામાં આવ્યું જેમના દ્વારા અદાણી સમૂહે આ પ્રોજેક્ટ્સ માટે અબજો ડોલર ભેગા કર્યા હતા. અમેરિકી કાયદો પોતાના રોકાણકારો કે બજાર સંલગ્ન વિદેશોમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસને આગળ વધારવની મંજૂરી આપે છે. અદાણી સમૂહ સાથે આ બાબતે જાણકારી માટે ઝી મીડિયા દ્વારા સંપર્ક કરાયો પરંતુહાલ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. 



અદાણી સમૂહનો જવાબ
આ સમગ્ર મામલે અદાણી સમૂહનો પણ જવાબ સામે આવ્યો છે. ગૌતમ અદાણીની કંપની અદાણી સમૂહના પ્રવક્તાએ પ્રેસ રિલીઝ બહાર પાડીને અમેરિકી અધિકારીઓ દ્વારા લગાવવામાં આવેલા લાંચના આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે તમામ આરાપ બેસલેસ અને નિરાધાર છે. અદાણી સમૂહના પ્રવક્તાએ કહ્યું કે સમૂહ તમામ કાનૂનોનું સંપૂર્ણ રીતે પાલન કરી રહ્યું છે. અદાણી સમૂહે શેરધારકોને ભરોસો અપાવતા કહ્યું કે અમેરિકી એજન્સીઓ તરફથી લાગેલા આરોપ પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે સમૂહ તરપથી તમામ શક્ય કાનૂની ઉપાય થઈ રહ્યા છે. તેમણે શેરધારકોને ભરોસો દાખવતા લખ્યું કે અદાણી સમૂહ હંમેશા પારદર્શકતા અને રેગ્યુલેટરીના નિયમોનું પાલન કરે છે અને આગળ પણ  કરશે. સમૂહ  પોતાના શેર ધારકો, પાર્ટનર્સ અને કર્મચારીઓને ભરોસો અપાવે છે કે અમે કાયદાનું પાલન કરનારું સંગઠન છીએ.


જ્યાં સુધી દોષિત નહીં ત્યાં સુધી બધા નિર્દોષ
અદાણી સમૂહે કહ્યું કે અમેરિકી ન્યાય વિભાગે પોતે કહ્યું છે કે અભિયોગ તરફથી લગાવવામાં આરોપો હાલ આરોપ છે અને જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી બધા નિર્દોષ છે. અદાણી સમૂહના પ્રવક્તાએ કહ્યું કે અદાણી ગ્રીનના ડાઈરેક્ટર્સ વિરુદ્ધ અમેરિકી ન્યાય વિભાગ અને અમેરિકી પ્રતિભૂતિ અને વિનિમય આયોગ દ્વારા લગાવવામાં આવેલા આરોપો નિરાધાર છે. સમૂહ એ આરોપોને ફગાવે છે. અદાણી પ્રવક્તાએ  કહ્યું કે જેમ કે અમેરિકી ન્યાય વિભાગે પોતે કહ્યું છે કે અભિયોગમાં લગાવવામાં આવેલા આરોપ એ આરોપ છે અને પ્રતિવાદીઓ જ્યાં સુધી દોષિત ન ઠરે ત્યાં સુધી નિર્દોષ ગણાશે. તેમણે કહ્યું કે સમૂહ દરેક શક્ય કાનૂની મદદ લઈ રહ્યું છે.