Delhi High Court આકરા પાણીએ, ડ્રગ કંટ્રોલરને પૂછ્યું- ગૌતમ ગંભીર ફાઉન્ડેશન વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં?
દવા અને ઓક્સિજન સિલિન્ડરની હોર્ડિંગ મામલે દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને એકવાર ફરીથી ડ્રગ કંટ્રોલરના એક્શન પર સવાલ ઉઠાવ્યા છે.
નવી દિલ્હી: દવા અને ઓક્સિજન સિલિન્ડરની હોર્ડિંગ મામલે દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને એકવાર ફરીથી ડ્રગ કંટ્રોલરના એક્શન પર સવાલ ઉઠાવ્યા છે. સુનાવણી દરમિયાન ડ્રગ કંટ્રોલરે કોર્ટને જણાવ્યું કે ગૌતમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા ફેબીબ્લૂ ની 2349 સ્ટ્રિપ્સ ખરીદવામાં આવી હતી. કોર્ટ હવે આ મામલે 29 જુલાઈએ સુનાવણી કરશે.
ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને નોટિસ પાઠવી છે-ડ્રગ કંટ્રોલર
ડ્રગ કંટ્રોલરે દિલ્હી હાઈકોર્ટમાં જણાવ્યું કે આ મામલે તેમણે ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને નોટિસ પાઠવી છે અને પૂછ્યું છે કે આ દવાઓ તેમણે ક્યાંથી ખરીદી છે અને શું તેના માટે તેમણે લાઈસન્સ ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવી હતી. ડ્રગ કંટ્રોલરે કોર્ટને ભરોસો અપાવ્યો કે તેઓ ગૌતમ ગંભીર ફાઉન્ડેશન વિરુદ્ધ અનાધિકૃત રીતે દવાઓને આટલી મોટી માત્રામાં મેળવી અને જમા કરવાના આરોપમાં કાર્યવાહી કરશે.
અત્યાર સુધી કાર્યવાહી કેમ ન થઈ- દિલ્હી હાઈકોર્ટ
સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે ડ્રગ કંટ્રોલરને સવાલ કર્યો કે તમે કેટલાક ડીલર્સ અને લાઈસન્સી હોલ્ડર્સને તો કારણ બતાવો નોટિસ આપી દીધી. પરંતુ ગૌતમ ગંભીર ફાઉન્ડેશન વિરુદ્ધ કાર્યવાહી કેમ શરૂ કરી નથી.
'ગૌતમ ગંભીર ફાઉન્ડેશને મફતમાં આપી દવાઓ'
ડ્રગ કંટ્રોલર તરફથી હાજર રહેલા વકીલ નંદિતા રાવે કહ્યું કે 'ગૌતમ ગંભીર ફાઉન્ડેશને 120 ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા અને અધિકૃત ડીલરો દ્વારા ફરીથી ભરવામાં આવ્યા. આ ઉપરાંત ડોક્ટર સિદ્ધાર્થની દેખરેખમાં વિભિન્ન લોકોને વિતરિત કરાયા. ગૌતમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા મફતમાં અપાનારી દવાઓ 1139 દર્દીઓને મળી.'
ગંભીર ફાઉન્ડેશને ભંગ કર્યો- ડ્રગ કંટ્રોલર
દિલ્હી હાઈકોર્ટમાં ડ્રગ કંટ્રોલરના વકીલે કહ્યું કે ગૌતમ ગંભીર ફાઉન્ડેશને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ અપરાધ કરતા ફેબીફ્લૂનો ગેરકાયદેસર રીતે સ્ટોક કર્યો છે. ફાઉન્ડેશનમાં દવાઓને સ્ટોર કરીને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનો ભંગ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ડ્રગ કંટ્રોલર ફક્ત આ મામલે જ નહીં, પરંતુ તે તમામ કેસ કે જેમા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ ભંગ થયો છે તેની તપાસ કરી શકે છે.
ગત સુનાવણીમાં કોર્ટે ક્લિન ચીટ પર નારાજગી વ્યક્ત કરી હતી
અત્રે જણાવવાનું કે ગત સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે ગૌતમ ગંભીરને ક્લિન ચીટ આપવા પર નારાજગી વ્યક્તિ કરી હતી. હાઈકોર્ટે ગૌતમ ગંભીરના એ નિવેદન પર સવાલ ઉઠાવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ ફરી આમ કરશે. હાઈકોર્ટે ડ્રગ કંટ્રોલરને તલબ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube