ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજકારણમાંથી દૂર થવાનો નિર્ણય લઈ લીધો છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી. ગંભીર પૂર્વ દિલ્હીથી લોકસભા સાંસદ છે. તેમની આ પોસ્ટથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી લડશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકારણમાંથી નિવૃત્તિ લેવા માંગે છે ગંભીર!
ગૌતમ ગંભીરે એક્સ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે મેં પાર્ટીના માનનીય પ્રમુખ @JPNadda જીને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું માનનીય PM @narendramodi જી અને માનનીય HM @AmitShah જીનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ!



પૂર્વ દિલ્હીથી સાંસદ છે ગંભીર
ગૌતમ ગંભીરને લોકસભા ચૂંણી 2019માં 696,158 મત મળ્યા હતા. તેમણે પૂર્વ દિલ્હી સીટ પર કોંગ્રેસના નેતા અરવિંદર સિંહ લવલી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાને હરાવ્યા હતા. લવલીને 3,04,934 મત જ્યારે આતિશીને 2,19,328 મત મળ્યા હતા. 


બે વર્લ્ડ કપ જીતના હીરો છે ગંભીર
ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ઈતિહાસના ઉત્તમ ઓપનર બેટરમાં સામેલ છે. તેમણે ભારતને બે વિશ્વકપ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2007માં ટી 20 વિશ્વ કપમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલમાં પાકિસ્તાન વિરુદ્ધ 75 રન કર્યા હતા. ત્યારબાદ ટીમ ઈન્ડિયા પાંચ રનથી આ મેચ જીતીને વિજેતા બની હતી. ગંભીરે 2011 વનડે વિશ્વકપની ફાઈનલમાં પણ કમાલનું પ્રદર્શન કર્યું હતું. તેમણે શ્રીલંકા વિરુદ્ધ ફાઈનલમાં 97 રનની યાદગાર ઈનિંગ રમી હતી અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે મહત્વની ભાગીદારી કરી હતી. ભારત છ વિકેટથી આ મેચ જીતીને વનડે વિશ્વકપમાં ફરીથી ચેમ્પિયન બન્યું હતું. 


ગંભીરની કરિયર
ગંભીરે ભારત માટે 58 ટેસ્ટ, 147 વનડે અને 37 ટી 20 મેચો રમી. આ દરમિયાન ટેસ્ટમાં તેમણે 41.96 ની સરેરાશથી 4154 રન કર્યા. તેમણે ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં નવ સદી અને 22 અડધી સદી ફટકારી. તમનો સર્વોત્તમ સ્કોર 206 રન છે. વનડેની વાત કરીએ તો તેમણે 39.68 ની સરેરાશથી 5238 રન કર્યા. આ દરમિયાન 11 સદી અને 34 અડધી સદી કરી. વનડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 150 રન છે. ટી20 ફોર્મેટમાં પણ ગંભીરનું શાનદાર પ્રદર્શન છે. તેમણે સાત અડધી સદીની મદદથી 932 રન કર્યા. તેમની સરેરાશ 27.41 રહી.