નવી દિલ્હી: બંગાળની ખાડી તરફથી તામિલનાડુ અને પુડ્ડુચેરી તરફ આગળ વધેલું ગાઝા નામનું વાવાઝોડું ગુરુવારે મોડી રાતે તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોએ ત્રાટક્યું. જેના કારણે ઝડપી પવન ફૂંક્યો અને વરસાદ પડ્યો, ગાઝા તોફાનથી સૌથી વધુ નુકસાન નાગપટ્ટિનમમાં જોવા મળ્યું છે. આખી રાત વરસાદ તૂટી પડ્યો અને ખુબ ઝડપે પવન ફૂંક્યો જેના કારણે અહીનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાડ અને મકાનો પડ્યાં. જો કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ દરમિયાન 100-120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ભારતીય હવામાન ખાતાએ અનુમાન લગાવતા કહ્યું હતું કે ગાઝા વાવાઝોડુ શુક્રવારે સવાલે નાગપટ્ટિનમના દક્ષિણમાં કુડ્ડાલોર અન્ પામબન વચ્ચે તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારને પાર કરશે. ગુરુવારે રાતે હવામાન ખાતા દ્વારા એક બુલેટિનમાં કહેવાયું હતું કે વાવાઝોડું ત્રાટકશે ત્યારે 90 થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ત્યારબાદ તેની ઝડપ 110 કિમી પ્રતિ કલાકે પહોંચી શકે છે. 



રાજ્ય સરકારે તોફાનની ચપેટમાં આવી શકનારા જિલ્લાઓમાં તંત્રને સંપૂર્ણ રીતે એલર્ટ રાખ્યું હતું. સરકારે જણાવ્યું કે કુલ 63,203 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યાં છે અને નાગપટ્ટિનમ અને કુડ્ડાલોર સહિત 6 જિલ્લાઓમાં 331 રાહતકેન્દ્રો ખોલવામાં આવ્યાં છે. આ અગાઉ ભારતીય હવામાન ખાતાએ ગત સાંજે 7.50ના રોજ એક બુલેટિનમાં કહ્યું હતું કે તોફાનની અસર દરિયાકાંઠા સુધી પહોંચી ગઈ છે અને તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. 



નાગપટ્ટિનમ, તિરુવરુર, કુડ્ડાલોર અને રામનાથપુરમ સહિત 7 જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાનોમાં રજાઓ જાહેર કરી દેવાઈ છે અને સરકારે ખાનગી કંપનીઓ અને પ્રતિષ્ઠિાનોને પોતાના કર્મચારીઓને જલદી ઘરે પાછા મોકલવા કહ્યું હતું જેથી  કરીને તેઓ સાંજે ચાર વાગ્યા પહેલા જ ઘરે પહોંચી શકે.