ઝી ડિજિટલ મીડિયા/અમદાવાદઃ વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં યોજવામાં આવતી સામાન્ય ચૂંટણીનો ખર્ચ પણ વિશ્વમાં સૌથી વધુ છે. ભારતમાં છ સપ્તાહ લાંબી મતદાન પ્રક્રિયા ચાલી હતી. 11 એપ્રિલના રોજ શરૂ થયેલું મતદાન 19 મે, 2019ના રોજ પુરું થયું હતું.  આ વખતની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં રૂ.3500 કરોડ જેટલી રકમની ચીજવસ્તુઓ જપ્ત કરાઈ છે, જેમાં રોકડથી માંડીને દારૂ, ભેટ-સોગાદો, ડ્રગ્સ વગેરેનો સમાવેશ થાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા રૂ.6000થી રૂ.7000 કરોડ સુધીનો ખર્ચ થવાની સંભાવના છે. કારણ કે, 2014માં યોજાયેલી ચૂંટણીમાં 2009ની લોકસભા ચૂંટણી કરતાં ત્રણ ગણો ખર્ચ થયો હતો. 2009ની સામાન્ય ચૂંટણીમાં રૂ.1,114 કરોડનો ખર્ચ થયો હતો, જ્યારે 2014ની સામાન્ય ચૂંટણીમાં રૂ.3,870 કરોડનો ખર્ચ થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ભારતમાં 7 તબક્કામાં 84 દિવસ લાંબી ચૂંટણી પ્રક્રિયા ચાલી હતી. છ સપ્તાહ દરમિયાન ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓથી માંડીને દક્ષિણમાં ભારતીય સમુદ્ર, પશ્ચિમમાં થારના રણથી માંડીને પૂર્વમાં સુંદર બનના મેનગ્રોવ્ઝ જંગલ સુધીના તમામ વિસ્તારને આવરી મતદાનમાં આવરી લેવામાં આવ્યો હતો. આ વખતે પ્રથમ વખત ચૂંટણી પંચ દ્વારા દુનિયાના સૌથી ઊંચા (15,256 ફૂટ ઊંચાઈ) મતદાન કેન્દ્ર તાશિગાંગ ગામમાં પણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 


ચૂંટણી ખર્ચમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? 


  • કાયદા અને ન્યાય મંત્રાલયના દિશાનિર્દેશ મુજબ નીચે દર્શાવેલી ચીજ-વસ્તુઓ પાછળ થતા ખર્ચને ચૂંટણીના આયોજનમાં થતા કુલ ખર્ચમાં સામેલ કરવામાં આવે છે. 

  • મતદાન કેન્દ્ર, મતદાન મથક અને મતગણતરી કેન્દ્રોની સ્થાપના કરી.

  • ચૂંટણી સ્ટાફ અને મતગણતરી સ્ટાફને આપવામાં આવતું TA-DA ભથ્થું. 

  • EVM મશીન અને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત અન્ય તમામ સાધનોને મતદાન મથક તથા મતગણતરી મથક સુધી પહોંચાડવા પાછળ થતો પરિવહન ખર્ચ. 

  • મતદાન મથક અને મતગણતરી કેન્દ્રો ખાતે અસ્થાયી ટેલીફોન સુવિધા અને ઈલેક્ટ્રિકલ ફિટિંગની સુવિધા ઉભી કરવી. 

  • ચૂંટણી પ્રક્રિયામાં વાપરવામાં આવતા મટીરિયલ જેમ કે, ભૂંસી ન શકાય તેવી સ્યાહી, એમોનિયા પેપર સહિતની સામગ્રીનો ખરીદી ખર્ચ. 

  • શાંતિપૂર્ણ રીતે મતદાન અને મતગણતરી પ્રક્રિયા હાથ ધરી શકાય તેના માટે થતો અન્ય વિવિધ ખર્ચ. 

  • સુરક્ષા પૂરી પાડવા માટે કેન્દ્રીય સુરક્ષા દળોને અહીંથી તહીં મોકલવા માટે થતો પરિવહન ખર્ચ. 


લોકસભા ચૂંટણી 2019: સોશિયલ મીડિયાના દુરૂપયોગની 900 અને પેઈડ ન્યૂઝની 647 ઘટના


ચૂંટણી પંચ કેવા પ્રકારનો ખર્ચ કરી શકતું નથી? 
કેન્દ્ર સરકાર ચૂંટણી પંચ કેવા-કેવા પ્રકારનો ખર્ચ કરી શકે છે અને કયો ખર્ચ કરી શક્તું નથી તેના નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર ચૂંટણી પંચ ઈમારતનું નિર્માણ, અસ્થાયી ગેરેજનું નિર્માણ, નવી કારની ખરીતી અથવા કેન્દ્ર સરકારની મંજૂરી વગર નિયમ બહારની વસ્તુની ખરીદી કરી શક્તું નથી. ટૂંકમાં કોઈ પણ પ્રકારનો મૂડીગત ખર્ચ ચૂંટણી પંચ કરી શક્તું નથી. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા ખર્ચને ચૂંટણી ખર્ચમાં સામેલ કરાતો નથી. 


લોકસભા ચૂંટણીનો ખર્ચ કોણ ઉઠાવે છે?
કાયદા અને ન્યાય મંત્રાલયની ઓક્ટોબર, 1979માં બનેલી માર્ગદર્શિકા મુજબ ભારતમાં લોકસભા ચૂંટમીનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા વહન કરવામાં આવે છે. જો રાજ્યમાં અલગથી વિધાનસભા ચૂંટણી યોજાતી હોય તો તેનો ખર્ચ જે-તે રાજ્ય સરકારને ભોગવવાનો હોય છે. જો લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાતી હોય તો તેવા સંજોગોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સરખા ભાગે ચૂંટણી ખર્ચ વહન કરે છે. ભારતનું ચૂંટણી પંચ ચૂંટણીના આયોજન પાછળ થતા ખર્ચ પર નજર રાખવા માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરતું હોય છે. 


લોકસભા ચૂંટણી 2019: દારૂ, ડ્રગ્સ અને રોકડ રકમ મળીને 3500 કરોડનો સામાન પકડાયો


અત્યાર સુધીની લોકસભા ચૂંટણીમાં થયેલો ખર્ચ 
ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશમાં યોજાયેલી અત્યાર સુધીની લોકસભા ચૂંટણી પાછળ થયેલા ખર્ચનો એક ડાટા તૈયાર કરવામાં આવ્યો છે. જેના અનુસાર પ્રથમ ત્રણ સામાન્ય ચૂંટણીમાં રૂ. 10 કરોડ કરતાં પણ ઓછો ખર્ચ થયો હતો. 1984-85ની 8મી સામાન્ય ચૂંટણી સુધી ભારતમાં ચૂંટણીનો ખર્ચ 100 ડોલરની અંદર રહ્યો હતો. 1996માં યોજાયેલી 11મી સામાન્ય ચૂંટણીમાં સૌ પ્રથમ વખત ચૂંટણીનો ખર્ચ રૂ.500 કરોડને પાર ગયો હતો. 



ભારતમાં લોકસભા ચૂંટણીમાં થયેલો કુલ ખર્ચ
લોકસભા ચૂંટણી વર્ષ ખર્ચ(રૂ. કરોડમાં)
પ્રથમ 1952 10
બીજી 1957 6
ત્રીજી 1962 7
ચોથી 1967 11
પાંચમી 1971 12
છઠ્ઠી 1977 23
સાતમી 1980 55
આઠમી 1984-85 82
નવમી 1989 154
દસમી 1991-92 359
અગિયારમી 1996 597
બારમી 1998 666
તેરમી 1999 948
ચૌદમી 2004 1,016
પંદરમી 2009 1,114
સોળમી 2014 3,870

આ ખર્ચ 2004માં યોજાયેલી 14મી સામાન્ય ચૂંટણીમાં રૂ.1000 કરોડના આંકડાને આંબી ગયો હતો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 2009માં યોજાયેલી ચૂંટણીનો ખર્ચ 1952માં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણીની સરખામણીએ 20 ગણો વધી ગયો હતો. 2014માં યોજાયેલી ચૂંટણીમાં 2009ની લોકસભા ચૂંટણી કરતાં ત્રણ ગણો ખર્ચ થયો હતો. 2014ની ચૂંટણીમાં રૂ.3,870 કરોડનો ખર્ચ થયો હતો. હવે, આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ખર્ચનો આંકડો 5000ને પાર એટલે કે લગભગ રૂ.6 હજારથી 7 હજાર કરોડ સુધીનો થાય તેવી સંભાવના છે. 


પ્રતિ મતદાર પાછળના ખર્ચમાં વધારો 
દેશમાં 1977ની છઠ્ઠી સામાન્ય ચૂંટણી સુધી પ્રતિ મતદાર પાછળ થતો ખર્ચ રૂ.1 કરતાં પણ ઓછો હતો. પછી ધીમે-ધીમે આ ખર્ચમાં વધારો થવા લાગ્યો. 1996માં યોજાયેલી 11મી સામાન્ય ચૂંટણીમાં પ્રતિ મતદાર ખર્ચ પ્રથમ વખત રૂ.10 કરતાં વધુ થયો. ત્યાર પછી 1999, 2004 અને 2009ની સામાન્ય ચૂંટણી સુધી પ્રતિ મતદાર ખર્ચ રૂ.15ની આસપાસ રહ્યો હતો. જોકે, આ ખર્ચ 2014માં યોજાયેલી 16મી સામાન્ય ચૂંટણીમાં સીધો જ ત્રણ ગણો વધીને રૂ.45 કરતાં વધુ થયો હતો. હવે, 2019ની સામાન્ય ચૂંટણીમાં પ્રતિ મતદાર ખર્ચ રૂ.100ના આંકડાને પણ પાર જાય તેવી સંભાવના છે. 


કુલ ચૂંટણી ખર્ચ 50 હજાર કરોડથી વધુ થવાની સંભાવના
દિલ્હીની એક સંસ્થા સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના જણાવ્યા અનુસાર ભારતમાં સામાન્ય ચૂંટણીમાં આ વર્ષે 2019માં લગભગ કુલ રૂ.50,000 કરોડ (7 બિલિયન ડોલર)નો ખર્ચ થવાની સંભાવના છે, જે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 2016માં થયેલા 6.5 બિલિયન ડોલર કરતાં પણ વધુ છે. જોકે, આ ખર્ચમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતા ખર્ચ ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા પાર્ટીના પ્રચાર-પ્રસાર, રેલીઓ, કાર્યકર્તાઓની હેરફેર, હેલિકોપ્ટર, બસો ભાડે લેવી વગેરે ખર્ચનો પણ સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ આજે ભારતમાં ચૂંટણીની એક રેલી પાછળ જ રૂ.10થી 50 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર જાણવા માટે અહીં કરો ક્લિક....