ધર્મના નામ પર 2047માં ફરી એકવાર થશે દેશનું વિભાજનઃ ગિરિરાજ સિંહ
ગિરિરાજ સિંહે કહ્યું કે, દેશમાં વિભાજનકારી શક્તિઓનો જનસંખ્યા વિસ્ફોટ ભયાનક છે. તેનાથી દેશની સ્થિતિ ખરાબ થશે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે ફરી એકવાર વિવાદિત નિવેદન આપીને રાજકીય વર્તુળોમાં તોફાન ઉભુ કરી દીધું છે. દેશની વધતી જનસંખ્યાને લઈને એક નિવેદન પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, 2047માં ફરી દેશનું વિભાજન થશે. તેમણે કહ્યું કે, અત્યારે તો 35Aને લઈને હંગામો થઈ રહ્યો છે, આવનારા દિવસોમાં એક ભારતનો ઉલ્લેખ કરવો અસંભવ હશે. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળોએ તેમના આ નિવેદનની ટીકા કરી છે.
કેન્દ્રીય પ્રધાને પોતાના એક ટ્વીટ સંદેશમાં દેશની વધતી જનસંખ્યા પર ટકાક્ષ કર્યો છે. તેમણે લખ્યું, 1948માં ધર્મના આધાર પર જ દેશનું વિભાજન થયું હતું આવી સ્થિતિ ફરી 2047 સુધી હશે. 72 વર્ષમાં જનસંખ્યા 33 કરોડથી વધીને 135.7 કરોડ થઈ ગઈ છે. વિભાજનકારી શક્તિઓની જનસંખ્યાનો વિસ્ફોટ ભયાનક છે. હજુ તો 35એને લઈને હંગામો થઈ રહ્યો છે.
ગિરિરાજ સિંહના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ ભાજપના મંત્રીની ટીકા કરતા કહ્યું કે, ભાજપ અને તેના મંત્રી દેશમાં ધર્મ અને જાતિવાદીના નામ પર ઝેર ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જ્યારે ભાજપે કહ્યું કે, ગિરિરાજ સિંહના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. ભાજપનું કહેવું છે કે ભારત અખંડ દેશ છે અને તેના ટૂકડા ન થઈ શકે.
કલમ 35Aનો ઉલ્લેખ
ગિરિરાજ સિંહે પોતાના ટ્વીટમાં કલમ 35 એનો પણ ઉલ્લેખ કર્યો છે. અનુચ્છેડ 35 એ હેઠળ જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો છે. આ હેઠળ રાજ્યને તે દરજ્જો મળેલો છે કે તે કોને પોતાના સ્થાનિક નિવાસી માને અને કોને નહીં. જમ્મૂ-કાશ્મીરમાં તે લોકોને સ્થાયી નિવાસી માનવામાં આવે છે જે 14 મે 1954 પહેલા કાશ્મીરમાં આવીને વસ્યા હતા. અહીં સ્થાનિક નિવાસીઓને જ જમીન ખરીદવી, સરકારી સેવાનો લાભ મેળવવો અને રોજગાર મેળવવાનો અધિકાર મળેલો છે. બીજા રાજ્યના નિવાસી ન તો જમીન ખરીદી શકે કે સરકારી નોકરી મેળવી શકે છે. આ સાથે રાજ્યની કોઈ યુવતી કોઈ અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કરી લે તો તેના તમામ અધિકાર ખતમ થઈ જાય છે.