ગોવામાં પ્રમોદ સાવંત બનશે મુખ્યમંત્રી, બે નાયબ મુખ્યમંત્રી હશેઃ સૂત્ર
ગોવામાં આજે રાત્રે 11 કલાકે મુખ્યમંત્રી પદનો શપથગ્રહણ સમારોહ યોજાશે, ગોવાના માહિતી ખાતા તરફથી આ જાહેરાત કરવામાં આવી છે
પણજીઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન પછી રાજ્યમાં પેદા થયેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક પુરી થઈ ગઈ છે. પણજીની એક હોટલમાં ચાલી રહેલી આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકકરી અને પ્રમોદ સાવંત સહિત ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. બેઠક પછી અમિત શાહે મીડિયાને જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી ગોવાના સહયોગી પક્ષો સાથે વાટાઘાટો ચલાવી રહ્યા છે. ત્યાર બાદ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરાશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બેઠક પછી ગોવાના મુખ્યમંત્રીના નામની સાથે-સાથે બે નાયબ મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત થવાની છે. સૂત્રોએ જણાવ્યું કે, પ્રમોદ સાવંત ગોવાના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, ગોવા પોરવોર્ડ પાર્ટી (GFP) ના વિજય સરદેસાઈ અને મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (MGP)ના સુદીન ધાવલીકર ડેપ્યુટી સીએમ બનશે.
આ દરમિયાન, ગોવાના માહિતી ખાતા તરફથી એક જાહેરાત કરવામાં આવી છે, જેના અનુસાર ગોવાના નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ આજે રાત્રે એટલે કે 18 માર્ચના રોજ 11.00 કલાકે યોજાશે. જોકે, મુખ્યમંત્રી કોણ બનશે અને કઈ પાર્ટી સરકાર બનાવશે એવી કોઈ જાહેરાત કરાઈ નથી.
મનોહર પર્રિકર અનંતની અંતિમ યાત્રાએ, સલામી સાથે પંચમહાભૂતમાં વિલીન
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ગોવાના મુખ્યમંત્રી પદ માટે ભાજપ તરફથી પ્રમોદ સાવંત અને વિશ્વજીત રાણેનું નામ ચર્ચામાં હતું. જોકે, વિધાનસભાના આધ્યક્ષ પ્રમોદ સાવંને મુખ્યમંત્રી બનાવવાનો ભાજપે નિર્ણય લઈ લીધો છે. જોકે, ભાજપ સાથી પક્ષો સાથે ગઠબંધનની વાતચીત પૂરી ન થાય ત્યાં સુધી નામ જાહેર કરવા માગતું નથી.
મનોહર પર્રિકરઃ આઈઆઈટી બોમ્બેનો ચોકીદાર વર્ણવે છે પર્રિકરની કહાની
કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી
40 સભ્યોની ગોવા વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે અને તેના 14 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે માત્ર 12 ધારાસભ્ય છે. ચાલુ વર્ષે ભાજપના ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસોઝા અને હવે રવિવારે મુખ્યમંત્રી પર્રિકરના નિધન ઉપરાંત ગયા વર્ષે કોંગ્રેસના બે ધારાસભ્ય સુભાષ શિરોડકર અને દયાનંદ સોપ્તેના રાજીનામાને કારણે વિધાનસભામાં કુલ સભ્યોની સંખ્યા 36 રહી ગઈ છે.
આ ઉપરાંત ગોવા ફોરવોર્ડ પાર્ટી, મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી પાસે 3-3 ધારાસભ્ય છે. એનસીપીનો એક ધારાસભ્ય છે અને ત્રણ અપક્ષ ધારાસભ્ય છે.