શોખ બડી ચીઝ હૈ, 2 કિલો સોનું પહેરીને કુલ્ફી વેચતો `ગોલ્ડન મેન` વાયરલ, જુઓ VIDEO
મધ્ય પ્રદેશનું ઈંદોર શહેર સ્વચ્છતાની સાથે સાથે સ્વાદિષ્ય વ્યંજનો માટે પણ જાણીતું છે. ઈંદોરનો સરાફા ચોપાટી વિસ્તાર ખાણી પીણીના શોખીન લોકો માટે સ્વર્ગ સમાન છે. સરાફા ચોપાટીમાં રાતભર લોકોની ભીડ જામેલી રહે છે.
દિપક પદ્મશાળી/અમદાવાદ: સોશિયલ મીડિયા પર હાલ એક સ્ટ્રીટ વેન્ડરની ચર્ચા થઈ રહી છે. ચર્ચાનું કારણ કોઈ વાનગી નહીં પણ તેનો લુક છે. આ સ્ટ્રીટ વેન્ડર 2 કિલો સોનું પહેરીને કુલ્ફી અને ફાલુદા વેચે છે. તો ક્યાં છે કુલ્ફી વેચતો ગોલ્ડન મેન જુઓ આ રિપોર્ટમાં.
મધ્ય પ્રદેશનું ઈંદોર શહેર સ્વચ્છતાની સાથે સાથે સ્વાદિષ્ય વ્યંજનો માટે પણ જાણીતું છે. ઈંદોરનો સરાફા ચોપાટી વિસ્તાર ખાણી પીણીના શોખીન લોકો માટે સ્વર્ગ સમાન છે. સરાફા ચોપાટીમાં રાતભર લોકોની ભીડ જામેલી રહે છે. અહીં તમને એકથી એક ચઢિયાતા અનોખા અને સ્વાદિષ્ટ વ્યંજનો મળી જશે. ફક્ત વાનગીઓ જ નહીં આ બજારમાં કેટલાક લોકોની વાનગી પરોસવાનો અંદાજ પણ નિરાલો છે. એવામાં હાલ સોશિયલ મીડિયા પર કુલ્ફી અને ફાલુદા વેચનાર 62 વર્ષીય નટવર નેમા ચર્ચામાં છે. ચર્ચાનું કારણ તેમની સ્વાદિષ્ટ કુલ્ફી, ફાલુદા તો છે પણ સાથે સાથે તેમનો લુક પણ ચર્ચામાં છે.
62 વર્ષીય નટવર નેમા કાન, ગળા અને હાથમાં સોનું પહેરી રાખે છે. એટલું જ નહીં, નટવર નેમાએ તેમના નકલી દાંતમાં પણ સોનાની પરત લગાવી રાખી છે. નટવર નેમા 2 કિલો જેટલું સોનું પહેરીને લોકોને સ્વાદિષ્ટ કુલ્ફી અને ફાલુદા બનાવીને આપે છે. સરાફા ચોપાટીમાં આ ગોલ્ડન મેન સેલિબ્રીટી સમાન છે. 2 કિલો સોનું પહેરીને જ્યારે નટવર નેમા લોકોને કુલ્ફી અને ફાલુદા સર્વ કરે છે ત્યારે લોકોને પણ આશ્ચર્ય થાય છે. ઘણા લોકો આ ગોલ્ડન મેન સાથે સેલ્ફી પણ લે છે. ઈંદોરમાં ગોલ્ડન મેન તરીકે જાણીતા નટવર નેમાની કુલ્ફી અને ફાલુદા એટલા પ્રખ્યાત છે કે મોટા મોટા નેતાઓ તેમજ અભિનેતાઓ પણ તેમની કુલ્ફી અને ફાલુદાના સ્વાદ માણી ચુક્યા છે.
નટવર નેમાનો સોના પ્રત્યેનો પ્રેમ તેમને અલગ ઓળખ આપે છે. આ ગોલ્ડન મેનના હાથથી બનેલી કુલ્ફી અને ફાલુદા ખાવા માટે દૂર દૂરથી લોકો આવે છે. સોશિયલ મીડિયા પર કુલ્ફી વેચતા ગોલ્ડન મેનનો વીડિયો વાયરલ છે અને લોકો આ ગોલ્ડન મેનના શોખથી ખુબ પ્રભાવિત થઈ રહ્યા છે.