મૉબ લિન્ચિંગ પર સરકાર આક્રમક, મંત્રી સમૂહ અને ગૃહ સચિવની અધ્યક્ષતામાં સમિતિની રચના
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે, પીએમ મોદીની સૂચના પર તેમની આગેવાનીમાં એક મંત્રી સમૂહ (જીઓએમ) પણ બનાવવામાં આવ્યું છે જે ઝડપથી પોતાનો રિપોર્ટ આપશે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે લોકસભામાં જણાવ્યું કે, દેશભરમાં ટોળા દ્વારા મારી-મારીને હત્યાના મામલા પર રિપોર્ટ આપવા માટે સરકારે એક મંત્રીસમૂહની રચના કરી છે અને ગૃહ સચિવની અધ્યક્ષતામાં એક સમિતીની રચના કરવામાં આવે છે જે 15 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.
રાજનાથ સિંહે સોમવારે ગૃહમાં પોતાના તરફથી આપેલા નિવેદનમાં કહ્યું, દેશભરમાં ટોળા દ્વારા મારી-મારીને હત્યાના માલમા પર સંસદમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પણ આ સંબંધમાં પોતાની ટિપ્પણી કરી છે અને સરકાર પાસેથી પહેલ કરવાની અપેક્ષા કરી છે.
તેમણે જણાવ્યું કે, આ સંબંધમાં ગૃહ સચિવ રાજીવ ગાબાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે જે 15 દિવસની અંદર પોતાનો રિપોર્ટ આપશે. ગૃહ પ્રધાને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પર તેમની (સિંહની) આગેવાનીમાં એક મંત્રીસમૂહ (જીઓએમ) પણ બનાવવામાં આવ્યું છે જે જલ્દી પોતાનો રિપોર્ટ આપશે.
મૉબ લિન્ચિંગના ઘણા મામલા આવ્યા સામે
દેશભરમાં છેલ્લા થોડા દિવસોમાં ટોળા દ્વારા હત્યાના મામલાની પૃષ્ટભૂમિમાં સરકારે આ કાર્યવાહી કરી છે. ગત ગુરૂવારે રાજનાથ સિંહે ગૃહમાં કહ્યું હતું કે, તે સત્ય છે કે ઘણા રાજ્યોમાં મૉબ લિન્ચિંગની ઘટનાઓ થઈ છે. તેમાં ઘણા લોકોનો જીવ ગયા છે. પરંતુ તેવી વાત નથી કે આ પ્રકારની ઘટનાઓ થોડા વર્ષોમાં થઈ છે. પહેલા પણ આવી ઘટનાઓ થઈ છે. પરંતુ આવી ઘટનાઓ ચિંતાનો વિષય છે. ટ
ગૃહપ્રધાને કહ્યું, કેન્દ્ર સરકાર આવા મામલામાં ચુપ નથી
ગૃહપ્રધાને કહ્યું કે મૉબ લિન્ચિંગમાં લોકોના મોત થયા છે, હત્યા થઈ અને ઈજાગ્રસ્ત થયા છે. જે કોઇપણ સરકાર માટે યોગ્ય નથી. અમે આવી ઘટનાઓની નિંદા કરીએ છીએ. કે.સી વેણુગોપાલ દ્વારા શૂન્યકાળમાં આ વિષયને ઉઠાવવામાં આવ્યો હતો. જેના પર સિંહે કહ્યું કે, આવા મામલા પર કેન્દ્ર સરકાર ચૂપ નથી. આ પહેલા પણ વર્ષ 2016માં એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી અને જુલાઇના પ્રથમ સપ્તાહમાં પણ એડવાઇઝરી જારી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પણ સંસદમાં મોબ લિન્ચિંગ વિરુદ્ધ કાયદો બનાવવાની ભલામણ કરી છે.