મોંઘવારીનો બેવડો મારઃ આ દિવાળીએ એસી, વોશિંગ મશીન અને ફ્રીજ મળશે મોંઘા!
કેન્દ્ર સરકારે 19 વસ્તુઓની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરીને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં કર્યો વધારો, લોકોનું દિવાળીનું બજેટ ખોરવાયું
નવી દિલ્હીઃ ચાલુ ખાતાની ખાધને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે 19 'બિન મહત્ત્વની વસ્તુઓ' પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં એર કન્ડીશનર, રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને એટીએફ (એવિએશન ટર્બાઈન ફ્યુલ)નો સમાવેશ થાય છે.
હાલ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયેલા વધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીનો ભાર સહન કરી રહ્યો છે. હવે, ટૂંક સમયમાં જ જ્યારે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે અને દિવાળી નજીક આવી રહી છે ત્યારે સરકાર દ્વારા ઈમ્પોર્ટ ડ્યુટીમાં કરાયેલા આ વધારાને કારણે મધ્યમવર્ગનું દિવાળીનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ જશે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર દરમિયાન ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ખરીદી વધુ થતી હોય છે, તેમાં પણ ફ્રીજ અને વોશિંગ મશીનની ખરીદી સૌથી વધુ થતી હોય છે. કેન્દ્ર સરકારે જ્યારે એસી, ફ્રીજ અને વોશિંગ મશીનની આયાત ડ્યુટીમાં વધારો કર્યો છે ત્યારે મધ્યમ વર્ગને તહેવારોની ઉજવણી મોંઘી પડશે.
એર કન્ડિશનર અને રેફ્રિજરેટરના કોમ્પ્રેસરના ભાવમાં પણ વધારો કરાયો છે, જે વર્તમાન 7.5 ટકાથી વધારી 10 ટકા કરાયા છે. વિમાનના ઈંધણમાં વધારો થવાના કારણે હવે હવાઈ યાત્રા પણ મોંઘી થઈ જશે.
નાણા મંત્રાલયે જણાવ્યું કે, આ 19 વસ્તુઓની આયાતની કુલ કિંમત વર્ષ 2017-18માં રૂ.86,000 કરોડ થવા જાય છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, 10 કિલો કરતાં ઓછું વજન ધરાવતા એસી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીનની આયાત પરની ઈમ્પોર્ટ ડ્યુટી અથવા કસ્ટમ ડ્યુટીમાં ડબલ એટલે કે 20 ટકાનો વધારો કરાયો છે.
આ ઉપરાંત, સ્પીકર્સ અને રેડિયલ કાર ટાયર્સ, સુટકેસ, ટ્રાવેલ બેગ્સ અને ઘરેલી વપરાશની ચીજવસ્તુઓ જેવી કે શાવર બાથ, સિન્ક, ટેબલવેર અને પ્લાસ્ટિકના બનેલા કીચનવેર પરની કસ્ટમ ડ્યુટીમાં પણ 50 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
એપ્રિલ-જુન મહિનાના ત્રિમાસિક ગાળામાં વિદેશી મુદ્રાના ભંડારમાં આવક અને જાવક વચ્ચેની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 2.4 ટકા જેટલી વધી ગઈ હતી. આ સાથે જ ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમતમાં જે 13 ટકા જેટલો મોટો ઘટાડો થયો છે તેના કારણે પણ સરકારની ખાધમાં વધારો નોંધાયો છે.