Game Plane of BJP: લોકસભાની ચૂંટણીને આડે હવે દોઢ વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણી માટે અત્યારથી જ કમર કસી છે...એવી માહિતી છે કે ભાજપ ચૂંટણી પહેલાં સરકાર અને સંગઠનમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ભાજપની નજર 2024 પર છે. કેમ કે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દેશવ્યાપી ચૂંટણી હોવાથી, તૈયારી પણ વહેલી શરૂ કરવી પડે. ભાજપે ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે. સૂત્રોનું માનીએ તો કમૂરતા બાદ ભાજપ રાષ્ટ્રીય સંગઠન અને સરકારમાં પરિવર્તન કરી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મળી શકે છે. વર્તમાન ભાજપ અધ્યક્ષ જે. પી નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે સંભવિતો-
ભાજપનાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે કેટલાક સંભવિતોના નામ પણ સામે આવી રહ્યા છે, જેમાં ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમરનું નામ પણ અધ્યક્ષ પદની રેસમાં હોવાનું જણાવાય છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેન્દ્રમાં મોટી જવાબદારી મળી શકે છે..તો કેન્દ્રીય મંત્રીમંડળમાંથી ગુજરાતના કેટલાક ચહેરાઓને પડતાં મુકાય તેવી પણ શક્યતા છે...તેમની જગ્યાએ કોને સ્થાન અપાય છે, તેના પર સૌની નજર છે.


પાટીલને મળશે કેન્દ્રમાં મોટી જવાબદારી?
વર્તમાન સંજોગોને જોતાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે તેની શક્યતાઓ વધારે જણાય છે. કેમ કે વર્તમાન અધ્યક્ષ તેમનાં ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભાજપને જીતાડી શક્યા નથી. તાજેતરમાં જ એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે ગુજરાત ભાજપનાં અધ્યક્ષ સી આર પાટીલને કેન્દ્રમાં મોટી જવાબદારી મળી શકે છે...જો કે આ જવાબદારી કઈ હશે, તે હજુ સામે નથી આવ્યું...પણ ભાજપે ગુજરાતમાં 156 બેઠકો જીતીને જે રેકોર્ડ સર્જયો છે, તેને જોતાં પાટીલની નવી જવાબદારી મોટી હોય તેવી પૂરેપૂરી શક્યતા છે.


2023, 2024માં 12 રાજ્યો અને લોકસભાની ચૂંટણી-
સંગઠન અને કેન્દ્રના મંત્રીમંડળમાં ફેરફાર કરીને ભાજપ ફક્ત લોકસભા જ નહીં, પણ 12 રાજ્યોના સમીકરણ પણ ધ્યાનમાં લઈ શકે છે. કેમ કે 2023 અને 2024માં દેશનાં કુલ 12 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એટલે કે વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે લોકસભાની ચૂંટણી યોજાશે. 2023માં જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, તેમના પર નજર કરીએ તો, માર્ચથી મે વચ્ચે નાગાલેન્ડ, ત્રિપુરા અને કર્ણાટકમાં ચૂંટણી યોજાશે. નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગણામાં ચૂંટણી થશે. આ પાંચ રાજ્યોમાં ફક્ત મધ્યપ્રદેશમાં જ ભાજપની સરકાર છે.  


2024માં જે રાજ્યોમાં ચૂંટણી યોજવાની છે, તેમનાં પર નજર કરીએ તો, તેમા સિક્કિમ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશાનો સમાવેશ થાય છે. એટલે કે આગામી દોઢ વર્ષ ચૂંટણીઓનાં માહોલ વચ્ચે જ વિતવાનું છે. એવામાં હવે સૌની નજર એના પર છે કે ભાજપનાં કેન્દ્રીય સંગઠન અને સરકારમાં શું પરિવર્તન જોવા મળે છે. જાન્યુઆરીના મધ્યમાં દૂર થતા કમૂરતાને આડે હવે વધુ સમય બાકી નથી...